અંબાજી મંદિર ૩૧મી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે
અંબાજી, અમદાવાદ સહિત રાજ્યભરમાં વધતાં જતાં કોરોનાને પગલે રાજ્ય સરકાર દ્વારા આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ત્યારે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે કેટલાય મોટા મંદિરોએ પણ દર્શન માટે ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે અંબાજી મંદિરમાં પણ ભક્તો માટે પ્રવેશ દ્વારા બંધ રાખવામાં આવ્યા છે.
હાલની પરિસ્થિતિ મુજબ આગામી ૯ દિવસ સુધી અંબાજી મંદિર દર્શન માટે બંધ રહેશે. ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર તમામ પ્રકારના રાજકીય સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક તેમજ ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં મહત્તમ ૧૫૦ વ્યક્તિઓ એકત્રિત થઈ શકે તેવા નિયંત્રણો મુકવામાં આવ્યા છે.
જેથી સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઈ કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અંબાજી મંદિર, ગબ્બર મંદિર, એકાવન શક્તિપીઠ પરિક્રમાના મંદિરો તેમજ ટ્રસ્ટ હસ્તના પેટા મંદિરો ૨૩મી જાન્યુઆરીથી થી ૩૧મી જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. આ દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી સવાર-સાંજની આરતી લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
જેથી માઈભક્તો ઘરે બેઠા અંબા માના દર્શનનો લાભ લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને તેની સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા અપાયેલી સૂચનાઓને ધ્યાનમાં રાખીને કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા ૧૫ જાન્યુઆરીથી ૨૧મી જાન્યુઆરી સુધી અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું.
પરંતુ કોરોના સંક્રમણ બેકાબૂ હોવાથી આગામી ૯ દિવસ પણ અંબાજી મંદિર બંધ રહેશે તેવો શ્રી આરાસુરી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે.SSS