ડ્રાઇવીંગ ટ્રેક પર ટેસ્ટ આપ્યા વિના ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવાની ફરીયાદ સંદર્ભે FIR દાખલ
સુરત આર.ટી.ઓ. કચેરી ખાતેના ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક પર ગુન્હાહીત કાવતરૂ રચી ટેસ્ટ આપ્યા વગર કપટ પૂર્વક ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવાની ફરીયાદ ધ્યાને આવતા વિભાગ દ્વારા પ્રાથમિક તપાસ માટે તુરત જ ટીમ મોકલી હકીકતો મેળવતા તેમાં ફોજદારી ગુન્હો થયો
હોવાની વિગતો ખુલતાં વાહન વ્યવહાર કમિશ્નર કચેરી દ્વારા સુરતના આર.ટી.ઓ. અધિકારીને પોલીસમાં એફ.આઇ.આર. કરવા અધિકૃત કરવામાં આવી છે એમ વાહન વ્યવહાર કમિશ્નર કચેરીનો યાદીમા જણાવાયુ છે.
યાદીમા વધુમા જણાવાયાનુસાર સુરતના આરટીઓ અધિકારી દ્વારા એફ.આઇ.આર. દાખલ કરતાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત દ્વારા ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૧૨૦(બી) તથા આઇ.ટી.એકટ કલમ ૬૬(ડી) મુજબનો ગુન્હો તા.૨૦-૦૧-૨૦૨૨ થી દાખલ કરવામાં આવેલ છે.
જેના અનુસંધાને સુરત કચેરીના સહાયક મોટર વાહન નિરીક્ષક નિલેશ ટી.મેવાડા સાથે સાહીલ શાહનવાઝ વઢવાણીયા, ઈન્દ્રસિંહ ખુમાનસિંહ ડોડીયા, જશ મેહુલભાઈ પંચાલ, ત્રણે આરટીઓ એજન્ટની પણ અટકાયત કરવામાં આવી છે.
જે પૈકી નીલેશ મેવાડાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા નામ.કોર્ટની ગાઇડ લાઇન મુજબ તેઓને પોલીસ જાપતા હેઠળ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલ છે. આ ગેરરીતી સંબંધમા નિયમો અનુસાર ખાતા રાહે પણ પગલાં લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોટર વાહન વિભાગ દ્વારા અરજદારોને પારદર્શક રીતે સરળતાથી અને ઝડપી સેવા મળે તે માટે અનેક વિધ પગલાં લેવામાં આવે છે.
આ પગલામાં મુખ્યત્વે સેવાઓનું સરળીકરણ તથા અરજદારોને તેમજ વહીવટી તંત્રને કામગીરીમાં અડચણ ઉભી કરે, સીસ્ટમ સાથે ચેડા કરે તેવા ઇસમો સામે શિક્ષાત્મક પગલા લેવાની નિતી વિભાગ દ્વારા અપનાવવામાં આવી છે.અને ગેરરીતીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ નિતીથી શકય તમામ પગલાં લેવામાં આવે છે.