વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય બાલ પુરસ્કાર વિજેતાઓ સાથે સંવાદ કર્યો

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (24 જાન્યુઆરીના રોજ) વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (પીએમઆરબીપી)ના વિજેતાઓ સાથે વાતચીત કરી હતી. આ અવસર પર કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઝુબીન ઈરાની અને રાજ્ય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાને આ દરમિયાન બાળકોને સંબોધિત કર્યા હતા અને કહ્યું હતું કે, ‘નવયુવાન સાથીઓ, આજે તમને જે એવોર્ડ મળ્યો છે તે વધુ એક કારણથી ખૂબ જ ખાસ છે. એ કારણ છે આ પુરસ્કારોનો અવસર. દેશ આ સમયે પોતાની આઝાદીના 75 વર્ષનું પર્વ ઉજવી રહ્યું છે. તમને આ મહત્વપૂર્ણ કાલખંડમાં આ એવોર્ડ મળ્યો છે.’ આ સાથે જ તેમણે આપણા દેશમાં હોનહાર બાળકોની સંખ્યા અપરંપાર છે તેમ પણ કહ્યું હતું અને તમામ બાળવિજેતાઓના એકાઉન્ટમાં 1 લાખ રૂપિયાનો પુરસ્કાર હસ્તાંતરિત પણ કર્યો હતો.
આ પુરસ્કાર 6 શ્રેણીઓમાં અસાધારણ ઉપલબ્ધિ હાંસલ કરનારા બાળકોને આપવામાં આવે છે. આ વર્ષે 29 બાળકોને આ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા છે. અસાધારણ ઉપલબ્ધિ હાંસલ કરનારા બાળકોને સન્માનિત કરવાના ઉદ્દેશ્યથી 1996માં આ પુરસ્કાર શરૂ કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર હાંસલ કરનારા બાળકોને મેડલ ઉપરાંત રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. 2018થી આ પુરસ્કારનું નામ બદલીને ‘બાલ શક્તિ પુરસ્કાર’ રાખવામાં આવ્યું છે અને તેમાં બહાદુરીના ક્ષેત્રમાં ઉપલબ્ધિ હાંસલ કરનારા બાળકોને પણ સામેલ કરવામાં આવ્યા હતા.
– મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તરફથી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર કયા બાળકોને મળશે તે માટે મંત્રાલયની એક ગાઈડલાઈન છે.
– ગાઈડલાઈન પ્રમાણે આ પુરસ્કાર એવા બાળકોને મળે છે જે ભારતના નાગરિક છે અને ભારતમાં રહે છે. આવા બાળકોની ઉંમર 5 વર્ષથી વધારે અને 18 વર્ષથી ઓછી હોવી જોઈએ.
1. ઈનોવેશનઃ
વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનમાં ઉપલબ્ધિ હાંસલ કરનારા બાળકો. તેમના ઈનોવેશનથી મનુષ્ય ઉપરાંત જીવ-જંતુ અને પર્યાવરણ પર કોઈ પ્રભાવ પડ્યો હોય.
2. સામાજીક કાર્યઃ
બાળ વિવાહ, યૌન શોષણ, શરાબ વગેરે જેવી સામાજીક બદીઓ વિરૂદ્ધ સમાજને પ્રેરિત કે સંગઠિત કર્યો હોય.
3. શિક્ષણઃ
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સતત ઉપલબ્ધિ હાંસલ કરી હોય.
4. ખેલઃ
રમતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સતત ઉપલબ્ધિ મેળવી હોય.
5. આર્ટ્સ એન્ડ કલ્ચરઃ
મ્યુઝિક, ડાન્સ, પેઈન્ટિંગ કે આર્ટ્સ અને કલ્ચર સાથે સંકળાયેલી અન્ય વિદ્યાઓમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધિ હાંસલ કરી હોય.
6. બહાદુરીઃ
પોતાનો જીવ જોખમમાં મુકીને નિસ્વાર્થ સેવા કરનારા બાળકોને સામેલ કરવામાં આવે છે. એવા બાળકો જે પ્રાકૃતિક કે માનવનિર્મિત કોઈ પણ પરિસ્થિતિમાં સાહસનું કામ કરે છે. કે પછી એવા બાળકો જે કોઈ પણ જોખમની સ્થિતિમાં પોતાની બુદ્ધિમતા અને માનસિક શક્તિનો અસાધારણ ઉપયોગ કરે છે.