મધ્યપ્રદેશમાં પાંચ દિવસની નવજાત બાળકીનું કોરોનાથી મોત

ગ્વાલિયર, ગ્વાલિયરની એક હોસ્પિટલમાં કોરોના વાયરસથી સંક્રમિત પાંચ દિવસની નવજાત બાળકીનું મોત થયું છે. જાેકે, આ બાળકી જન્મથી જ ખૂબ જ બીમાર હતી અને તેને અન્ય પ્રકારના ઈન્ફેક્શન પણ હતા. ગ્વાલિયરના પ્રભારી ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસર ડૉ. બિંદુ સિંઘલે જણાવ્યું કે આ બાળકીનો જન્મ ગ્વાલિયર જિલ્લા મુખ્યાલયથી લગભગ ૪૫ કિમી દૂર ડાબરાના સ્વાસ્થ્ય કેન્દ્રમાં થયો હતો.
તેમણે કહ્યું, “કોરોના વાયરસના કારણે એક નવજાત બાળકીના મૃત્યુનો કેસ સામે આવ્યો છે, પરંતુ આ બાળકીને જન્મતાની સાથે જ અન્ય ચેપ લાગ્યો હતો, જેના કારણે તેને ડાબરાના આરોગ્ય કેન્દ્રથી ગ્વાલિયરની કમલરાજા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ શુક્રવારે સાંજે તેનું મૃત્યુ થયું હતું. સિંઘલે કહ્યું કે તેનું મૃત્યુ માત્ર કોરોના પોઝિટિવ હોવાને કારણે થયું છે, એવું કહી શકાય નહીં, કારણ કે તે જન્મથી જ ખૂબ બીમાર હતી.
મધ્યપ્રદેશમાં કોરોનાની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે. મધ્યપ્રદેશમાં શનિવારે કોરોનાના ૧૧,૨૭૪ નવા કેસ નોંધાયા હતા, જ્યારે ચેપને કારણે વધુ પાંચ લોકોના મોત થયા હતા. કોરોનાના ત્રીજી લહેરમાં, રાજ્યમાં ૨૬ ડિસેમ્બરથી દર્દીઓની સંખ્યામાં વધારો થવાની સાથે ચેપનો દર સતત વધી રહ્યો છે.HS