10 દિવસમાં બીજીવાર માઉન્ટ આબુમાં તાપમાન ગગડીને માઇનસ ચાર ડીગ્રી

માઉન્ટ આબુ, બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ફરી એક વખત તાપમાન માઈનસ ચાર ડીગ્રીએ પહોંચ્યું છે, જેને પગલે પાણીના કુંડ-બગીચામાં બરફ છવાયો હતો. ગાડીઓના કાચ ઉપર બરફ છવાતાં માઇનસ તાપમાનમાં પણ સહેલાણીઓ માઉન્ટ આબુની ઠંડીની અનેરો અહેસાસ માણી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ફરીથી ગગડી માઇનસ ડીગ્રીએ પહોંચ્યો છે. છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણને લઇ લઘુતમ તાપમાન વધ્યું હતું.
જોકે ફરીથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વાદળો હટતાં ફરી એક વખત ઠંડીનો પારો ગગડ્યો છે, જેમાં માઉન્ટ આબુમાં માઇનસ ચાર ડીગ્રી તાપમાન નોંધાયું હતું.
રવિવારની સાંજથી તાપમાન વધુ ઘટવા લાગ્યું હતું અને આજે સોમવારે વહેલી સવારે માઉન્ટ આબુના અનેક વિસ્તારમાં-ગાર્ડનમાં બરફ છવાયેલો જોવા મળ્યો હતો તેમજ પાણીના કુંડા અને ગાડી ઉપર જેવી અનેક જગ્યા પર બરફ પાથરાયેલો જોવા મળ્યો હતો.
બે દિવસથી પડી રહેલી ઠંડીને કારણે માઉન્ટ આબુમાં જનજીવન પર અસર પડી છે. જોકે માઉન્ટ આબુમાં સહેલાણીઓ ઠંડાગાર તાપમાન પણ ઊમટી પડ્યા હતા, જેઓ ચારેબાજુ બરફ જોતાં મંત્રમુગ્ધ થઇ તેનો આનંદ માણી રહ્યા છે.