Western Times News

Gujarati News

લગ્નનાં ફેરા પહેલા પિતાના ઘરમાં દીકરીની અર્થી ઊઠી

ગોધરા, જેનો જન્મ તેનું મૃત્યુ એ સત્ય બાબત છે પરંતુ અકાળે કોઈ સ્વજન ચાલ્યું જાય એ કુદરતની કદાચ ક્રૂર મજાક પણ કહીં શકાય !! આવી જ એક દુઃખદ અને કાળજું કંપાવી દે એવી ઘટના પંચમહાલ જિલ્લામાં બની છે. ઘોઘંબા તાલુકાના કંકોડાકોઈ ગામમાં લગ્ન દિવસે જાનના આગમન પૂર્વે જ કન્યાનું બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જતાં દુઃખદ અવસાન થઇ ગયુ હતું જેને કારણે સમગ્ર સોલંકી પરિવાર અને ગામ-સમાજમાં શોકની કાલિમા છવાઈ છે.

ત્યારે અહીં કોણ જાણી શકે કાળને રે. જેવી પંક્તિઓ સત્ય સાબિત થતી જાેવા મળી છે. ઘોઘંબા તાલુકાના કંકોડાકોઈ ગામમાં રહેતાં ચન્દ્રસિંહ સોલંકીના દીકરી વંદના કુંવરબાના લગ્ન વડદલા ગામના દેવેન્દ્રસિંહ સાથે ગોઠવાયા હતા. ૨૩ તારીખના દિવસે બપોરે ત્રણ વાગ્યે વંદના કુંવરબા પ્રભુતામાં પગલાં પાડવાની હતી.

આ લગ્ન પ્રસંગ નિમિતે સામાજિક રિતિ રિવાજ મુજબ ગણેશ સ્થાપના ,ગ્રહ શાંતિ સહિતની તમામ વિધી ૨૧ અને ૨૨ જાન્યુઆરીએ પૂર્ણ થઈ હતી. ૨૨ જાન્યુઆરીએ રાત્રે ગરબા કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્વજનોના સથવારે વંદનાકુંવરબા પણ હોંશે હોંશે ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા.બીજા દિવસે ૨૩ જાન્યુઆરીએ હસ્ત મેળાપ વિધિ હોવાથી પરિવારનાં સભ્યો લગ્નમાં આવેલા મહેમાનોની સરભરા અને જાનનાં આગમન માટે તૈયારીઓમાં જાેતરાયા હતા.

આ દરમિયાન અચાનક જ વંદના કુંવરબાને ચક્કર આવી પડી ગયા હતાં જેને કારણે સ્વજનોમાં દોડધામ મચી ગઇ હતી અને તાત્કાલિક વંદનાને સારવાર માટે ઘોઘંબા રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ ઉપરના તબીબે વંદનાને તપાસ કરી જણાવ્યું કે, તેણીનું બ્લડ પ્રેશર ઓછું થવાથી અવસાન થયુ છે.

આ જાણતા જ સ્વજનોના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી. પથ્થર દિલને પીગળાવી દે એવા હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બની ઉઠ્‌યું હતું. બીજી તરફ નવજીવનમાં ડગ માંડવા માટે લગ્નોત્સુક વરરાજા અને સ્વજનો જાન લઈ આવવાની તૈયારીમાં હતા તેઓએ પણ વંદના કુંવરબાનાં દુઃખદ અવસાનનાં સમાચાર મળતા જ તેઓ પણ શોકમગ્ન બની ગયા હતા.

આખરે વંદના કુંવરબાનાં લગ્ન માટે થયેલી તૈયારીઓ અને વાગી રહેલા શરણાઈના સુરનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. જે ઘર આંગણેથી ડોલી ઉઠવાની તૈયારીઓ હતી એ જ ઘરમાં નવ દંપતી પ્રભુતામાં ડગ માંડતી વેળાએ જે પુષ્પ અને ફૂલ હાર વંદના મૃતદેહ માટે સીમિત બની ગયા.

આખરે વંદનાના પિતા-ભાઈ સહિતે ભારે હૈયે વંદનાની અર્થીને કાંધ આપી હતી દરમિયાન આખું ગામ હીબકે ચડ્યું હતું. પરિવાર સાથેનું ઋણાનુબંધન પુરૂ કરી ફાની દુનિયાને અલવિદા કરી ઈશ્વરના ખોળે જઈ રહેલી વંદનાના માટે સ્વજનો પાસે હવે માત્ર એક જ વસ્તુ તેની યાદના સંસ્મરણો જ અને જીવનભર ન ભૂલી શકાય એવો વસવસો જ કાયમી સંભારણું બની ગયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.