27 જાન્યુઆરીએ એર ઈન્ડિયા ટાટા ગ્રૂપના હવાલે થઈ જશે

પ્રતિકાત્મક
નવી દિલ્હી, ભારતની સરકારી એરલાઈન એર ઈન્ડિયાને ટાટા ગ્રુપે ખરીદી લીધી છે. 27 જાન્યુઆરીએ તેને ટાટા ગ્રુપને સોંપી દેવામાં આવશે. મળતી વિગતો પ્રમાણે ડિસ ઈન્વેસ્ટમેન્ટની જે કાર્યવાહી બાકી છે તે કેટલાક દિવસોમાં પૂરી કરી દેવાશે.એર ઈન્ડિયાના સ્ટાફને કંપનીના ડાયરેક્ટર ફાઈનાન્સ વિનોદ હેજમાદીએ મેઈલ પાઠવીને કહ્યુ છે કે, એર ઈન્ડિયાની બેલેન્સ શીટ ક્લોઝ કરી દેવામાં આવી છે.જેથી ટાટા ગ્રૂપ તેની સમીક્ષા કરી શકે.
એર ઈન્ડિયા માટે ટાટા ગ્રૂપે બોલી લગાવી હતી.આ ડીલ 18000 કરોડ રુપિયામાં નક્કી થઈ હતી.ટાટા ગ્રૂપને એર ઈન્ડિયા વેચવાની ડીલ પર સરકારે મંજૂરીની મોહર મારી હતી.
જોકે એ પછી ટાટા ગ્રૂપને આ એરલાઈનનો કબ્જો સોંપવા માટેની કાર્યવાહીમાં ઢીલથી પીએમ ઓફિસ નારાજ છે.કારણકે આ ડીલ થઈ ત્યારે કહેવાયુ હતુ કે, ડિસ ઈન્વેસમેન્ટની પ્રક્રિયા ડિસેમ્બર સુધીમાં પૂરી કરાશે.તેમાં હવે વિલંબ થયો છે.
આ ડીલના ભાગરુપે ટાટા ગ્રૂપ સરકારને 2700 કરોડ રુપિયા ચુકવશે અને એરલાઈન્સનુ બાકીનુ 15300 કરોડ રુપિયાનુ દેવુ પોતાના માથે લેશે. એર ઈન્ડિયાના અધિકારીઓને ટાટા ગ્રૂપના વર્ક કલ્ચરથી પરિચિત કરવા માટે તાલીમ આપવામાં આવશે.તેઓ પોતાના બીજા કર્મચારીઓને આ પ્રકારનીતાલીમ આપશે.
ટાટાના અધિકારીઓએ કહ્યુ હતુ કે, એર ઈન્ડિયાના સ્ટાફે હવે એ વાત માટે પણ તૈયાર રહેવુ પડશે કે કોઈ યુવા વ્યક્તિ તેમનો બોસ બની શકે છે.તેમણે તેના હાથ નીચે પણ કામ કરવુ પડશે.