Western Times News

Gujarati News

રાત્રી કરફ્યૂનાં ભંગ બદલ વરરાજા અને નવવધુએ પોલીસ સ્ટેશનમાં રાત વીતાવી

વલસાડ, શહેરમાં ગઈ મોડીરાત્રે રાત્રિ કરફ્યુ ભંગ બદલ એક વરરાજા અને નવવધૂએ જાન સાથે વલસાડ  સીટી  પોલીસ સ્ટેશનમાં વિતાવવ નો વારો આવ્યો હતો.

વલસાડ શહેરનાં છેવાડે પેટ્રોલિંગમાં રહેલી વલસાડ સીટી પોલીસે લગ્ન કરી અને પરત ફરી રહેલી જાનને રાત્રી કરફ્યુ દરમિયાન રોકી હતી અને ત્યારબાદ રાત્રિ કરફ્યુ ભંગ બદલ વરરાજા અને નવવધૂને પાનેતરનાં જોડામાં જ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. સાથે જ જાનમાં સામેલ જાનૈયાઓને પણ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને મામલો ગરમાયો હતો.

પોલીસે મોડીરાત્રે વરરાજા અને નવવધુ સહિત જાનૈયા રાત્રિ કરફ્યુ ભંગ બદલ પૂછપરછ સહિતની જરૂરી કાર્યવાહી કરી અને મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ લગ્ન કરી અને પરત ફરી રહેલી જાનને રોકી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવતા મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. બનાવની વિગત મુજબ વલસાડના અબ્રામા વિસ્તારમાં પટેલ પરિવારમાં લગ્ન પ્રસંગ હતો.

આ લગ્ન પ્રસંગ પતાવી મોડી રાત્રે જાન ઘરે પરત ફરી રહી હતી. વરરાજા નવવધૂને લઈ અને શણગાર સજેલી કારમાં સાથે પરત ફરી રહ્યા હતા.

પરંતુ વલસાડ શહેરમાં રાત્રી કરફ્યુનો અમલ ચાલી રહ્યો હોવાથી પેટ્રોલિંગમાં રહેલી પોલીસે જાનને રોકી હતી. અને રાત્રિ કરફ્યુ ભંગ બદલ વરરાજા અને નવવધુ સહિત જાનને લીલા તોરણે પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. તેમજ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જાનને રાત્રી કરફ્યુનાં  ભંગ બદલ પોલીસે રોકી અને કાર્યવાહી કરતાં  જાનૈયાઓ અને લગ્નના યજમાન પરિવારે નારાજગી વ્યક્ત કરી હતી. આ લગ્ન પ્રસંગ વલસાડ નગરપાલિકાનાં માજી કોર્પોરેટર રાજુ મરચાનાં પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. આથી પોલીસની કાર્યવાહી દરમિયાન પોલીસે માજી કોર્પોરેટર રાજુ મરચાંની પણ અટકાયત કરી હતી.

આથી રાજુ મરચાં એ પોલીસની આ કાર્યવાહી વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી. પરિવારજનોનાં કહેવા મુજબ જ્યારે સરકારે રાત્રિ કરફ્યુનાં વલસાડ સહિત રાજ્યના અન્ય શહેરોમાં કર્ફ્યુનાં અમલની જાહેરાત કરતા  આદેશનું  જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. આ અગાઉ બંને  પરિવારજનોમાં લગ્નની તારીખ અને સમયે નક્કી થઈ ગયો હતો. અગાઉથી પત્રિકાઓ પણ વેચાઈ ચૂકી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.