સાયન્સ સિટી ખાતે ૨૭ જાન્યુઆરીના રોજ જીટીયુનો ૧૧મો પદવીદાન સમારંભ યોજાશે
અમદાવાદ, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)નો ૧૧મો પદવીદાન સમારંભ તારીખ ૨૭ જાન્યુઆરીના રોજ વિજ્ઞાનભવન , સાયન્સસિટી ખાતે યોજાશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ અને જીટીયુના ચાન્સેલર આચાર્ય દેવવ્રતજી , માનનીય શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી , માનનીય રાજ્ય શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર , પદવીદાન સમારંભના મુખ્ય અતિથિ અને ઝાયડસ કેડિલાના મેનેજીંગ ડિરેક્ટર પંકજભાઈ પટેલ , ડિપાર્ટમેન્ટ ઑફ ટેક્નિકલ એજ્યુકેશનના ચીફ સેક્રેટરી એસ. જે. હૈદર , જીટીયુના કુલપતિ . પ્રો. ડૉ. નવીન શેઠ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેર , બોર્ડ ઑફ ગવર્નન્સ અને એકેડમીક કાઉન્સિલના સભ્યો , ડિન અને એસોસિયેટ ડિન હાજર રહશે.
કાર્યક્રમની શરૂઆત કુલસચિવ ડૉ. કે. એન. ખેર દ્વારા મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને કરવામાં આવશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ૧૧માં પદવીદાન સમારંભને ડિજીટલી ખુલ્લો મૂકવામાં આવશે. કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ દ્વારા જીટીયુનો વાર્ષીક અહેવાલ પણ રજૂ કરવામાં આવશે.
૧૧માં પદવીદાન સમારંભમાં જુદા-જુદા કોર્સના અંદાજે ૫૯૪૯૫ જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. જેમાંથી ૧૪૪ વિદ્યાર્થીઓ અને ૧ સ્ટાર્ટઅપકર્તાને ગૉલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.
જીટીયુની પરંપરા મુજબ નવીન સાહસને પ્રોત્સાહન આપવા બાબતે શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ કર્તાને આ વર્ષે પણ ગૉલ્ડ મેડલ આપીને સન્માનવામાં આવશે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકારશ્રીની તમામ ગાઈડલાઈનનું પાલન કરીને પદવીદાન સમારંભ યોજાશે.SSS