Western Times News

Gujarati News

નવનિયુક્ત મ્યુનિ. કમિશ્નરે શહેરીજનોને રૂા.ર૦૦ કરોડના કમરતોડ યુઝર્સચાર્જની ભેટ આપી

(દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં નિમણૂંક થવાની ખુશી બદલ મ્યુનિ. કમિશ્નર લોચન શહેરાએ શહેરીજનોને ખાસ ભેટ આપી છે મ્યુનિ. કમિશ્નરે ડ્રાફટ બજેટ રજુ કરવાના માત્ર એક સપ્તાહ પહેલા જ નાગરીકો પર રૂા.ર૮૩ કરોડનો નવો બોજ નાંખવા નિર્ણય કર્યા છે.

મનપા દ્વારા સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતા સર્વેક્ષણ માટે યુઝર્સ ચાર્જ લેવામાં આવી રહયો છે જેના દરમાં વધારો કરવામાં આવી રહયો છે, મ્યુનિ. કમિશ્નરની સદ્‌ર દરખાસ્તમાં ધાર્મિક સ્થાનોને પણ આવરી લેવામાં આવશે.

જયારે સતાધારી પક્ષ તરફથી જેને ૧૦૦ ટકા માફી આપવામાં આવી છે તેવી ૪૦ ચો.મી. કે તેથી નાની મિલ્કતોને પણ આવરી લેવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશનની તિજાેરી ખાલી હોવાથી “ ફુલ ગુલાબી” બજેટ બનાવવા નવી આવકના સ્ત્રોત દર્શાવવા માટે પણ ચૂંટણીના વર્ષમાં પ્રજા પર કમરતોડ બોજ નાંખવામાં આવી રહયો હોવાની ચર્ચા ચાલી રહી છે જયારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા કોરોના વર્ષમાં પ્રજા પર નવા વેરા ન નાંખવા મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.

અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા માટે છેલ્લા ઘણા વર્ષોથી પ્રયાસ ચાલી રહયા છે. કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉચ્ચ સ્થાન મેળવાવ માટે “યુઝર્સ” ચાર્જ વસુલ કરવાની શરત છે જે અંતર્ગત ર૦૧૮ના વર્ષમાં રહેણાંક મિલ્કતો પાસેથી વાર્ષિક રૂા.૩૬પ તથા કોમર્શીયલ મિલ્કતો પાસેથી વાર્ષિક રૂા.૭૩૦ લેવામાં આવે છે. સદ્દર રકમની રીકવરી પ્રોપર્ટી ટેક્ષના બીલ માધ્યમથી કરવામાં આવે છે. ર૦૧૮થી શરૂ કરવામાં યુઝર્સ ચાર્જ પેટે મનપા દ્વારા દર વરસે રૂા.૮૦ કરોડની આકારણી કરવામાં આવે છે. છેલ્લા નાણાકીય વર્ષમાં રૂા.૭૯ કરોડની અલગ આકારણી કરવામાં આવી છે.

મ્યુનિ. કમિશ્નર લોચન શહેરા દ્વારા રજુ કરવામાં આવેલી નવી દરખાસ્ત મુજબ રહેણાંક મિલ્કતો પાસેથી દૈનીક રૂા.બે ના બદલે રૂા.પાંચ વસુલ કરવાના રહેશે. એક અંદાજ મુજબ ટેક્ષ વિભાગ દ્વારા છેલ્લા નાણાકીય વર્ષમાં ૧૬.૭પ લાખ રહેણાંક તથા પાંચ લાખ કોમર્શીયલ મિલ્કતોની આકારણી કરવામાં આવી છે જે મુજબ ગણતરી કરવામાં આવે તો રહેણાંક મિલ્કતો પાસેથી રૂા.૧૮૩.૯૧ કરોડ અને કોમર્શીયલ મિલ્કત ધારકો પાસેથી રૂા.૯૧.રપ કરોડ યુઝર્સ ચાર્જ પેટે લવામાં આવશે. આમ નવા દર અમલમાં આવ્યા બાદ તંત્રની તિજાેરીમાં દર વરસે રૂા.ર૭પ.૧૬ કરોડ જમા થશે.

જયારે પ્રજાના શિરે રૂા.ર૦૦ કરોડનો નવો બોજ આવશે. મ્યુનિ. તંત્ર દ્વારા ડોર ટુ ડમ્પ, આરટીએસ સહીત સ્વચ્છતા ખર્ચ માટે વાર્ષિક રૂા.૧રપ કરોડનો ખર્ચ કરવામાં આવી રહયો હોવાનો અંદાજ છે.

મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા શહેજાદખાને યુઝર્સ ચાર્જના વધારા સામે ઉગ્ર વિરોધ વ્યકત કર્યા છે તેમના જણાવ્યા મુજબ કોરોનાકાળમાં નાગરીકો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે તેવા સંજાેગોમાં રૂા.ર૦૦ કરોડનો નવો બોજ નાંખવામાં આવે તે યોગ્ય નથી. મ્યુનિ. શાસક પક્ષ દ્વારા સદ્‌ર દરખાસ્તનો સ્વીકાર કરવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષ દ્વારા આ મુદ્દે મેયરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યુ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. શહેર મેયર કીરીટભાઈ પરમારનો સંપર્ક કરતા તેમણે આ અંગે પ્રજાહિતમાં નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ યુઝર્સ ચાર્જ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે કોર્પોરેશનની ખાલી તિજાેરી ભરવા માટે ભ્રષ્ટાચાર અને ખોટા ખર્ચાઓ પર કાબુ રાખવો જરૂરી છે. પ્રજા પર કમરતોડ બોજ નાંખીને તિજાેરી ભરવી યોગ્ય નથી જેએનએનયુઆરએમમાં પણ પ્રજા પાસેથી ૧૦૦ ટકા વસુલાતની શરત હતી પરંતુ તે સમયે પણ માત્ર ૩૦ ટકા ચાર્જ નાખવામાં આવ્યો હતો. વર્તમાન કમિશ્નર અને શાસકોએ નવા ચાર્જ અંગે કોઈપણ નિર્ણય કરતા પહેલા ભુતકાળના નિર્ણયો અને તેના પરીણામોનો અભ્યાસ કરવો જરૂરી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.