ગુજરાતના 7 મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સ્નમાનિત કરાયા

ગાંધીનગર: કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરી હતી. આ વર્ષે કુલ 4 વ્યક્તિને પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવ્યા હતા. તો કુલ 17 લોકોને પદ્મ ભૂષણ અને 107 લોકોને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.. ગુજરાતના 7 મહાનુભાવોને પદ્મ સન્માન આપવામાં આવ્યા હતા.
વર્ષ 2022 માટે પદ્મ પુરસ્કારની જાહેરાતમાં 7 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જેમાં સ્વામી સચ્ચિદાનંદને પદ્મ ભૂષણ, સુરતના સવજી ધોળકિયાને પદ્મ શ્રી, ડૉ.લતા દેસાઈ, માલજી દેસાઈને પદ્મ શ્રી, રમીલાબેન ગામીતને પદ્મ શ્રી, ખલીલ ધનતેજવીને મરણોપરાંત પદ્મ શ્રી, ગુરુપ્રસાદ મહાપાત્રાને મરણોપરાંત પદ્મ શ્રી સન્માન આપવામાં આવ્યું હતું.
ગુજરાતના આ મહાનુભવોને પદ્મશ્રી
(1) સવજીભાઈ ધોળકિયા (સામાજિક કાર્ય) (પદ્મશ્રી)
(2) સ્વામી સચ્ચિદાનંદ (પદ્મ ભૂષણ)
(3) રમિલાબહેન ગામિત (સામાજિક કાર્ય) (પદ્મશ્રી)
(4) ડૉ. લતા દેસાઈ (મેડિસિન) (પદ્મશ્રી)
(5) માલજીભાઈ દેસાઈ (પબ્લિક અફેયર્સ) (પદ્મશ્રી)
(6) ખલીલ ધનતેજવી (સાહિત્ય અને શિક્ષણ) (મરણોપરાંત પદ્મશ્રી)
(7) ગુરુપ્રસાદ મહાપાત્રા (પદ્મશ્રી)
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ડિસેમ્બરમાં દેશે પ્રથમ સીડીએસ બિપિન રાવત ગુમાવ્યા હતા. હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. હવે તેમની બહાદુરીને સલામ કરવા માટે સરકાર દ્વારા તેમને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યા હતા. તેમના સિવાય સરકાર આ વખતે યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા કલ્યાણ સિંહને પણ મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવા જઈ રહી છે. તેમનું પણ ગત વર્ષે ખરાબ તબિયતના કારણે નિધન થયું હતું.
ઉપરાંત કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ (જાહેર જીવન), પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ડાબેરી નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્ય (જાહેર સેવા), માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા, આલ્ફાબેટ (ગૂગલ)ના સીઈઓ સુંદર પિચાઈ,
કોરોના રસીના ઉત્પાદકો સિરમ ઈન્સ્ટિટયૂટના એમડી સાયરસ પૂનાવાલા, ભારત બાયોટેકના ચેરમેન ક્રિષ્ના ઈલા અને તેમનાં પત્ની સુચિત્રા ઈલા સહિત ૧૭ લોકોને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા છે. બોલિવૂડ ગાયક સોનુ નિગમ સહિત ૧૦૭ લોકોની પદ્મ શ્રી એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. સરકારે પૂર્વોત્તરના રાજ્યોમાંથી છ લોકોની પદ્મ એવોર્ડ માટે પસંદગી કરી છે.