કટ્ટરપંથીઓએ હિંગળાજ માતા મંદિરને નિશાન બનાવ્યું

ઈસ્લામાબાદ, લઘુમતીઓ માટે નરક બનીચ ચૂકેલા પાકિસ્તાનના ઇસ્લામી કટ્ટરપંથીઓ એકવાર ફરીથી હિંદુ મંદિરને નિશાનો બનાવ્યું છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં થાર પાર્કર જિલ્લાના ખત્રી મોહલ્લામાં રવિવારે ઇસ્લામી કટ્ટરપંથીઓએ અહીંના હિંગળાજ માતાના મંદિર પર હુમલો કર્યો હતો.
પાકિસ્તાનમાં વિતેલા ૨૨ મહિનામાં હિંદુ ધાર્મિક સ્થળો પર આ ૧૧મો હુમલો છે. આ હુમલા પછી પાકિસ્તાન હિંદુ મંદિર સંચાલનના પ્રમુખ કુશેન શર્માએ મીડિયા સાથે વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે ઇસ્લામી કટ્ટરપંથી પાકિસ્તાનની સરકાર અને કોર્ટથી ડરતા નથી. તેઓ સતત આ પ્રકારના હુમલાને અંજામ આપી રહ્યા છે.
આ દરમિયાન લઘુમતી હિંદુઓએ ધાર્મિક સ્થળ પર થઇ રહેલા હુમલાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાનમાં જતે દિવસે લઘુમતીઓના ધાર્મિક સ્થળો પર મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા હુમલાના બનાવો સતત વધી રહ્યા છે. બીજી તરફ ઇમરાન ખાન સરકાર વિશ્વ સામે દાવો કરી રહી છે કે, પાકિસ્તાનમાં લઘુમતી હિંદુ, ઇસાઇ, શીખ સમુદાયના લોકો સુરક્ષિત છે.
આ પહેલા ડિસેમ્બરમાં પણ કરાચીમાં સ્થિત હિંદુ મંદિર પર ઇસ્લામી કટ્ટરપંથીઓએ હુમલો કરી મા દુર્ગાની મૂર્તિ ખંડિત કરી હતી. કટ્ટરપંથીઓ દ્વારા મંદિરમાં ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. કરાચીમાં હિંદુઓની વસતી વધુ છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે લઘુમતીઓ પર હુમલા એવા સમયે થઇ રહ્યા જ્યારે પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટ સતત નોટિસ બહાર પાડી રહી છે અને ઈમરાન ખાન સરકાર દાવો કરી રહી છે કે મંદિરો સુરક્ષિત છે.
થોડા સમય પહેલા પણ પાકિસ્તાનના પંજાબમાં ગણેશ મંદિર પર કટ્ટરપંથીઓએ હુમલો કરી ધરાશાયી કર્યું હતું. આ હુમલાની વિશ્વસ્તરે ટીકા કરવામાં આવી હતી, જે પછી ઈમરાન ખાને ખાતરી આપી હતી કે મંદિરની રક્ષા કરશે. આ પહેલા પણ ઇસ્લામાબાદમાં તોડી પડાયેલા મંદિર નિર્માણ માટે પીએમ ઇમરાન ખાને વાયદો કર્યો હતો, પરંતુ કટ્ટરપંથીઓના વિરોધ બાદ તેમણે ર્નિણય બદલ્યો હતો.
આ મુદ્દે અહીંના માનવાધિકાર કાર્યકર્તાઓનું કહેવુ છે કે પાકિસ્તાન લઘુમતી હિંદુ, ઇસાઇ, શીખો માટે નરક બની ગયું છે. રિપોર્ટ મુજબ આઝાદી વખતે પાકિસ્તાનની કુલ વસતીમાં ૨૩ ટકા હિંદુ, ઇસાઇ અને શીખ સામેલ હતા. જ્યારે ૨૦૧૭ની વસતી ગણતરી મુજબ અહીં ૯૬.૨૮ ટકા મુસ્લિમ અને લઘુમતી ઘટીને માત્ર ૩.૭૨ ટકા રહી ગયા છે. આ રિપોર્ટ દર્શાવે છે કે, પાકિસ્તાનમાં લઘુમતી હિંદુ, શીખ, ઇસાઇઓની પરિસ્થિતિ દયનીય બની ચૂકી છે.SSS