Western Times News

Gujarati News

ભૂલથી ટ્રાન્સફર થયેલા પૈસા રિક્ષાવાળાએ પરત કર્યા

બેંગલુરુ, કર્મોનું ફળ હંમેશા મળે છે પછી એ સારા હોય કે ખરાબ. કહેવાય છે ને કે સત્કાર્યો ક્યારેય એળે નથી જતાં. આવો જ એક કિસ્સો બેંગલુરુમાં બન્યો છે. જ્યાં એક રિક્ષાચાલકે ખોટા યુપીઆઈના કારણે ભૂલથી તેના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયેલા ૧૦,૦૦૦ રૂપિયા પેસેન્જરને પરત આપ્યા હતા.

આ રિક્ષાચાલકની આર્થિક સ્થિતિ તંગ હોવા છતાં તેણે લોભ-લાલચ રાખ્યા વિના ઈમાનદારી દાખવી. તેની આ જ પ્રામાણિકતાથી ખુશ થઈને શહેરના લોકોએ તેના માટે મદદનો ધોધ વહાવ્યો છે. ગોપી નામના ૫૮ વર્ષીય રિક્ષાચાલકના ખાતામાં તેની રિક્ષામાં બેઠેલા એક આઈટી કન્સલ્ટન્ટ અને વકીલ શિવા કુમાર જી બેઠા હતા.

તેમણે ૧૨૦ રૂપિયા ભાડું યુપીઆઈ દ્વારા ચૂકવ્યું હતું. બાદમાં કુમારના એક ફ્રેન્ડને ૧૦,૦૦૦ની રકમની જરૂર પડી હતી અને તેણે રૂપિયા આ જ એપથી ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. જાેકે, કુમારે ભૂલથી તે રકમ ફ્રેન્ડના બદલે ગોપીના ખાતામાં જમા કરાવી દીધી હતી. પહેલા તો કુમાર ગભરાઈ ગયા કે પરંતુ બાદમાં ગોપીને આ અંગે જાણ થતાં તેણે તેમને નિશ્ચિંત થઈ જવાનું કહ્યું.

ગોપીને એપ વાપરતાં આવડતી નહોતી પરંતુ શિવા કુમારે ફોન પર તેને માર્ગદર્શન આપતાં તે રૂપિયા ટ્રાન્સફર કરી શક્યો. રૂપિયા પાછા મળતાં શિવા કુમારના જીવમાં જીવ આવ્યો હતો. ગોપીને નહોતી ખબર કે તેણે દાખવેલી આ ઈમાનદારીનું ફળ તેને મળશે. કમ્યુનિકેશન કન્સલ્ટન્ટ સાનિયા જયપાલે ગોપીની મદદ કરવા માટે ડ્રાઈવ શરૂ કરી હતી.

સાનિયાનું કહેવું છે કે, ગોપીની વાત તેના હૃદયને સ્પર્શી ગઈ હતી. “ગોપીએ કહ્યું હતું કે, તે પોતે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. તેને દરેકના રૂપિયાની કદર છે. દરેકે દરેક વ્યક્તિના રૂપિયા તેમની સખત મહેનતનું પરિણામ હોય છે. ગોપીનું આ વાક્ય મારા દિલને સ્પર્શી ગયું હતું.

સાનિયાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ગોપીની મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેથી તેને થોડી-ઘણી આર્થિક રાહત આપી શકાય. સાનિયાના કહેવા પ્રમાણે, ગણતરીના કલાકોમાં જ તેને મિત્રો અને અજાણ્યા લોકોના મેસેજ આવવા લાગ્યા કે જે ગોપીની મદદ કરવા ઉત્સુક હતા.

એક લેખ જાેઈને મને લાગ્યું કે ગોપી સાચો અને પ્રામણિક વ્યક્તિ છે. જેવું વાવશો તેવું લણશો. એટલે જ ગોપીના સારા કર્મોનું ફળ તેને પ્રાપ્ત થયું છે, તેમ સાનિયાએ ઉમેર્યું. આશરે ૨૦ લોકોએ ગોપીને તેના યુપીઆઈ આઈડીદ્વારા રૂપિયા મોકલાવ્યા અને તેને ૧૦,૦૦૦ કરતાં પણ વધુ રકમ મળી હોવાનો અંદાજાે છે.

મોટાભાગના દાતાઓએ કહ્યું કે, ગોપીની વાસ્તવિકતા તેમને સ્પર્શી ગઈ હતી. એક દાતાએ કહ્યું, ગોપી સમજે છે કે તેની જેમ અન્ય લોકો પણ રૂપિયા કમાવા સખત મહેનત કરે છે અને તેની આ જ વાત મારા મનમાં ઘર કરી ગઈ. લોકોએ નિઃસ્વાર્થ ભાવે મદદ કરતાં ગોપી અને તેનો પરિવાર ધન્ય થયો છે.

ગોપીએ કહ્યું, અમે સૌ નિઃશબ્દ છીએ. દાતાઓના આ વિચાર અને સહાનુભૂતિનો ઉપકાર કેવી રીતે માનવો તે સમજાતું નથી. આ ઘટના પરથી અમને સમજાઈ ગયું કે ઈશ્વર છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.