પેસેન્જર્સ આનંદો: ચૂંટણીના કારણે AMTSમાં ભાડાવધારો કરાશે નહીં
અમદાવાદ, એએમટીએસના રોજના ૧.૮૫ લાખ પેસેન્જર્સ માટે રાહતના સમાચાર છે. એએમટીએસનો ઉપયોગ સામાન્ય રીતે શહેરના ગરીબ અને મધ્યમવર્ગના પરિવારના લોકો કરતા હોઇ તેમના માટે એએમટીએસના ભાડામાં જાે એક રૂપિયાનો પણ વધારો થાય તો પણ તેમના ખિસ્સાને આ વધારો પરવડે તેમ નથી.
બીજી તરફ ભાજપના શાસકો વિધાનસભા ચૂંટણીને ધ્યાનમા રાખીને ભાડાવધારો કરીને પેસેન્જર્સનો રોષ વહોરી લેવા તૈયાર નથી એટલે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન વલ્લભ પટેલ તેમના સુધારિત બજેટમાં ભાડાવધારો કરશે નહીં તેવુ જાણવા મળ્યું છે.
અત્યારે ભલે કોરોનાનો કોફ તેમજ ૬ જાન્યુઆરીથી અમલમાં આવેલ ૫૦ ટકા ક્ષમતા સાથે એએમટીએસ દોડાવવાના નિયમથી રોજના પેસેન્જર્સમાં એક લાખ કરતાં વધુનો ઘટાડો થયો છે, પરંતુ હજુ પણ દૈનિક ૧.૮૫ લાખ પેસેન્જર્સની સંસ્થાને રોજિંદી રૂ.૧૦.૯૩ લાખની આવક થઇ રહી છે, જાેકે કોરોનાકાળ પહેલાનાં રોજના સાડા પાંચ લાખ પેસેન્જર્સથી દરરોજની રૂ.૨૩થી ૨૫ લાખની આવક મેળવવી હવે અશક્ય બાબત બની છે.
જાેકે તંત્રના ડ્રાફ્ટ બજેટ બાદ હવે સત્તાધારી ભાજપ દ્વારા સુધારિત બજેટ રજૂ કરવાની દિશામાં જાેરશોરથી કવાયત આરંભાઇ છે. તંત્રના રૂ.૫૨૯.૧૪ કરોડ ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિ. કોર્પોરેશન પાસેથી રૂ.૩૯૦ કરોડ લોન પેટે લેવાશે. આગામી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં તંત્ર ૪૦૦ મિડી બસ અને ૫૦ ઇલેક્ટ્રિક બસ ખરીદવાનું છે, જાેકે નવા પ્રોજેક્ટની જાહેરાત કરાઇ નથી.
અત્યારે ભલે મ્યુનિ. તંત્રની દર વર્ષે કરોડો રૂપિયાની અપાતી લોનની કાખઘોડીના સહારે એએમટીએસ ચાલતી હોય, પરંતુ વર્ષ ૨૦૧૩માં બેથી ચાર કિમીના રૂ.૬થી ૭ એમ પ્રત્યેક આગળના સ્ટેજદીઠ એકથી ચાર રૂપિયાનો વધારો કરાયા બાદ કોઇ ભાડાવધારો થયો નથી અને નવા વર્ષમાં તે થવાનો નથી.
હાલનું બે કિ.મી. સુધીનું રૂ.ત્રણનું લઘુતમ ભાડું અને ૪૮થી ૫૦ કિ.મી. સુધીનું રૂ.૨૫નું મહત્તમ ભાડુ જળવાઇ રહેશે, જાેકે મનપસંદ ટીકીટમાં ભાડાવધારો થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે એકાદ અઠવાડિયામાં વલ્લભ પટેલ તેમનું સુધારિત બજેટ રજૂ કરાશે.