પુત્રના અંતિમ સંસ્કાર બાદ ૧૫ વર્ષથી જનેતા સ્મશાનમાં રહે છે

જયપુર, રાજસ્થાનના સીકરમાં એક માતા પોતાના પુત્રના અવસાન બાદ પણ પોતાને તેનાથી અલગ કરી શકી નહીં. લોકોનું કહેવું છે કે ૧૫ વર્ષ પહેલા આ મહિલાનાએકન એક દીકરાનું અવસાન થયું હતું અને ત્યારથી તે સ્મશાનમાં રહે છે.
જયારે પણ આ સ્મશાનમાં કોઇના અંતમ સંસ્કાર થાય છે ત્યારે આ મહિલા ત્યાં નજર આવી જાય છે. અહિં તે લોકોને પાણી પીવડાવે છે અને લોકોને લાકડાઓ એકઠા કરાવીને મદદ પણ કરે છે. મહિલાનું કહેવું છે કે વર્ષ ૨૦૦૮માં તેના ૨૨ વર્ષીય દીકરો માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો.
તેને સારવાર માટે હોસ્પિટલ પણ લઇ જવાયો હતો પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં અને તેનું અવસાન થયું. હું છેલ્લી વખત તેનો ચહેરો પણ જાેઇ શકી નહીં. આ દુનિયામાં મારા સિવાય તેનું કોઇ નહોતું. મેં જ તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.
માતાનું કહેવું છે કે મારા પુત્રને આજ દિન સુધી ન્યાય નથી મળ્યો. દુનિયા તેને ભૂલી ગઈ પણ હું કેવી રીતે ભૂલી શકું. મારો દીકરો અહીં સૂઈ રહ્યો છે, મારો ઈન્દર. મહિલા કહે છે કે,’દીકરાની અસ્થિ વિસર્જન કરવા હરિદ્વાર ગઈ હતી. ત્યાંથી પાછા ફરીને સ્મશાને આવી ગઇ.
થોડા દિવસો સુધી કોઈ કશું બોલ્યું નહીં, પછી લોકો અહીંથી જવા માટે કહેવા લાગ્યા. લોકો કેવી રીતે સમજશે, મારી જિંદગી મારો પુત્ર તો નથી રહ્યો. મેં કોઈનું સાંભળ્યું નહીં. અહીંથી ગઇ નહીં. પછી લોકોની બોલતી પણ બંધ થઈ ગઈ. હવે સ્મશાન મારું ઘર છે.
લોકોના જણાવ્યા અનુસાર સ્મશાનમાં રહેતી મહિલાએ તેના પુત્રની હત્યા થઇ હોવાનો આરોપ લગાવ્યો છે. તે કહે છે, ‘લોકો કહેતા હતા કે મરો દીકરો સામાન લઈ જતો હતો. ત્યારે તેનો અકસ્માત થયો હતો. પણ આ ખોટું છે. તેની હત્યા કરવામાં આવી છે.
હોસ્પિટલમાં મને પુત્રનો ચહેરો પણ બતાવવામાં આવ્યો નહીં. ડોક્ટરનું કહેવું છે કે અકસ્માત બાદ મારો પુત્ર લાંબા સમય સુધી જીવતો હતો.
લોકોનું કહેવું છે કે મહિલા સીકરની જ રહેવાસી છે. તેમનો પરિવાર પણ મોટો છે. પતિના અવસાન બાદ તેઓ સાસરિયાનું ઘર છોડીને એક માત્ર પુત્ર સાથે પોતના પિયરમાં આવી ગયા હતા.અહીં તેમણે પુત્રને ભણાવીને સક્ષમ બનાવ્યો હતો. તેમનો દીકરો એક દુકાનમાં કામ કરતો હતો. તેમના પુત્રનું ૨૦૦૮માં અવસાન થયું હતું. ત્યારથી તેમનું બધું જ લૂંટાઈ ગયું. તે હવે સ્મશાનમાં રહે છે. તે અહીંના લોકોને મદદ કરે છે. ૧૫ વર્ષ સુધી તે અહીંથી ક્યાંય ગયા નથી.HS