એએમસીએ માસ્ક વગરના લોકો પાસેથી ૨૭ દિવસમાં રૂ.૪૭.૧૦ લાખ વસૂલ્યા
અમદાવાદ, શહેરમાં કોરોનાની થર્ડ વેવ શરૂ થતાં મ્યુનિ. સત્તાવાળાઓ એક્શન મોડમાં આવી ગયા હતા. કોરોનાના કેસમાં રોજેરોજ મહાવિસ્ફોટ થતા હોવા છતાં નાગરિકોએ બેદરકારી દાખવતા તંત્રે ફરી જેટની ટીમને મેદાનમાં ઉતારી હતી.
શહેરીજનોમાં કોવિડ ગાઇડલાઇનના પાલન મામલે શિસ્ત લાવવા મ્યુનિ.સત્તાવાળાઓએ કમર કસતા ખાસ કરીને જાહેર સ્થળોએ માસ્ક ન પહેરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જેટની ટીમ દ્વારા ચાલુ મહિનાના ૧થી ૨૭ જાન્યુઆરી સુધીના સમયગાળામાં માસ્ક વગરના લોકો પાસેથી કુલ રૂ.૪૭.૧૦ લાખનો દંડ વસૂલાયો છે.
અગાઉ કોરોનાની વેવ વખતે તંત્રે જેટની ટીમને મેદાનમાં ઉતારી હતી. તે વખતે જેટની ટીમે માસ્ક વગરના લોકો તેમજ જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવતા લોકો પાસેથી લાખો રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. હવે જ્યારે શહેરમાં કોરોનાની થર્ડ વેવ ફરી વળી છે તેવા સમયે સત્તાવાળાઓ સજાગ બનીને સમયે સત્તાવાળાઓએ સજાગ બનીને તા.૧ જાન્યુઆરી, ૨૦૨૨થી જેટની ટીમને ફરી મેદાનમાં ઉતારી છે.
તે દિવસે તંત્રે માસ્ક વગરના લોકો પાસેથી સ્થળ પર જ રૂા.૧૦૦૦નો દંડ વૂસલવા જેટની કુલ ૬૦ ટીમને કામે લગાડી હતી. સાંજના સાતથી રાતના દસ વાગ્યા સુધી જેટની ટીમે કુલ ૧૬૭ લોકોને પકડી રૂ.૧.૬૭ લાખનો દંડ વસૂલ્યો હતો.
શહેરમાં સાત ઝોન હોઇ દરેક ઝોનમાં ઓછામાં ઓછી ૧૨ ટીમને ફિલ્ડ વર્કની જવાબદારી સોંપાઇ હતી. બીજા દિવસે એટલે તા.૨ જાન્યુઆરીએ તંત્રે ટીમની સંખ્યા વધારીને કુલ ૧૨૫ ટીમને ફરજ સોંપી હતી, જે દરમિયાન ૨૨૯ લોકો પાસેથી રૂ.૨.૨૯ લાખનો દંડ વસૂલાયો હતો.
તા.૧થી ૧૫ જાન્યુઆરી સુધીમાં જેટની ટીમ દ્વારા ૨૮૦૦થી વધુ માસ્ક વગરના લોકો તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવા બદલ કુલ રૂ.૩૦.૮૫ લાખનો દંડ વસૂલાયો હતો, જેમાં કતાર એરવેઝ અને વીડા ક્લિનિકલ રિસર્ચ પાસેથી રૂ.એક લાખ, લાલ દરવાજા પાથરણાં બજાર તેમજ નહેરૂનગરવાળા પાસેથી રૂ.૨૫ હજાર, રસમ હોટલ અને મિની ડી-માર્ટમાંથી થાય છે. આ સમયગાળામાં તંત્રે કોવિડ ગાઇડલાઇનનું પાલન ન કરવા બદલ લો ગાર્ડન પાસેના વી-માર્ટ યુનિટને પણ તાળા માર્યા હતા.
તા.૧૧ જાન્યુઆરીએ જેટની ૧૨૦ ટીમે માસ્ક વગરના સૌથી વધુ ૩૨૦ લોકોને પકડ્યા હતા તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલની કામગીરી મળીને અત્યાર સુધીનો એક દિવસનો સૌથી વધુ કુલ રૂા.૩.૯૬ લાખનો દંડ વસૂલીને લોકોમાં ગભરાટ ફેલાવી દીધો હતો, જાેકે પછી જેટની કામગીરી ઉત્તરાયણના તહેવારો નિમિત્તે ધીમી પડતી ગઇ હતી. શહેરીજનો ઉત્તરાયણનો તહેવાર સારી રીતે ઊજવી શકે તે માટે જાણે કે જેટની ટીમ અદૃશ્ય થઇ ગઇ હોય તેમ લાગ્યું હતું.
તા.૧૭ જાન્યુઆરીથી ફરી દંડ વસૂલાતની ગાડી પાટા પર ચડી હતી. તા.૧૭મીએ માસ્ક વગરના ૧૬૨ લોકો પાસેથી તંત્રે રૂ.૧.૬૨ લાખનો દંડ વસૂલ્યો હતો. તંત્રે તા.૧૮ જાન્યુઆરીએ રૂ.૧.૪૫ લાખનો દંડ, તા.૧૯ જાન્યુઆરીએ રૂ.૧.૫૪ લાખનો દંડ, તા.૨૦ જાન્યુઆરીએ રૂ.૧.૫૩ લાખનો દંડ, તા.૨૧ જાન્યુઆરી રૂ.૧.૫૫ લાખનો દંડ, તા.૨૨ જાન્યુઆરીએ રૂ.૧.૬૭ લાખનો દંડ, તો તા.૨૩ જાન્યુઆરીએ રૂ.૧.૫૧ લાખનો દંડ, તા.૨૪ જાન્યુઆરીએ રૂ.૧.૪૬ લાખનો દંડ, તા.૨૫ જાન્યુઆરીએ રૂ.૧.૪૭ લાખનો દંડ, તા.૨૬ જાન્યુઆરીએ રૂ.૧.૧૪ લાખનો દંડ અને ગઇકાલે એટલે કે તા.૨૭ જાન્યુઆરીએ રૂ.૧.૩૧ લાખનો દંડ પેટે રૂ.૧૬.૨૫ લાખની વધુ વસૂલાત કરી છે.
ગઇકાલે તંત્રે ૪૦ જેટની ટીમ ઉતારીને કુલ ૧૩૧ માસ્ક વગરના લોકોને પકડ્યા હતા, જે પૈકી ઉતર-પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ ૩૧ લોકો પાસેથી રૂ.૩૧ હજાર વસૂલ્યા હતા, જ્યારે મધ્ય ઝોનમાંથી સૌથી ઓછા નવ લોકો પાસેથી રૂ.૯ હજાર વસૂલાયા હતા, પશ્ચિમ ઝોનમાંથી રૂ.૨૨ હજાર, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાંથી ૨૦-૨૦ હજાર, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી રૂ.૧૬ હજાર અને ઉત્તર ઝોનમાંથી રૂ.૧૩ હજારનો દંડ વસૂલાયો હતો. આમ, ચાલુ મહિનાના અત્યાર સુધીના ૨૭ દિવસમાં ૩૮૦૦થી વધુ લોકો પાસેથી રૂ.૪૭.૧૦ લાખ વસૂલાયા છે. (એન. આર)