ગર્લફ્રેન્ડનાં જામીન માટે લૂંટ-હત્યા કરનારને મોતની સજા

વોશિંગ્ટન, પ્રેમનું ભૂત સવાર થાય એટલે લોકો શું-શું નથી કરતા. અમેરિકામાં એક વ્યક્તિએ ગર્લફ્રેન્ડની જામીન માટે પૈસા ભેગા કરવા હોટેલ પણ લૂંટી લીધી હતી. આટલેથી ન અટકતાં ૨ લોકોના જીવ લીધા હતા. તે વ્યક્તિને હવે મૃત્યુની સજા સંભળાવવામાં આવી છે. તેને ઓક્લાહોમા ખાતે ઘાતક ઈન્જેક્શનની મદદથી મૃત્યુની સજા આપવામાં આવશે. આ વર્ષે સંયુક્ત રાજ્યમાં મૃત્યુની સજા મેળવનારો તે પહેલો કેદી છે. આ કેસ ૨૦૦૧ના વર્ષનો છે.
દોષી ડોનાલ્ડ ગ્રાંટ તે વખતે ૨૫ વર્ષનો હતો. તેણે કેદ કરવામાં આવેલી પ્રેમિકાના જામીન માટેની રકમ એકઠી કરવા માટે એક હોટેલ લૂંટી લીધી હતી. લૂંટ દરમિયાન તેણે હોટેલના ૨ કર્મચારીઓ પર ગોળી ચલાવી હતી. કોર્ટના દસ્તાવેજાે પ્રમાણે તે પૈકીના એક વ્યક્તિનું તરત જ મોત થયું હતું જ્યારે બીજાએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
ડોનાલ્ડને બેવડી હત્યાના મામલે ૨૦૦૫માં મૃત્યુની સજા સંભળાવવામાં આવી હતી. ત્યારથી ડોનાલ્ડ પોતાની સજા વિરૂદ્ધ બૌદ્ધિક ઉણપનો હવાલો આપીને ઉપરી અદાલતોમાં અપીલ કરી રહ્યો હતો. એક ઓનલાઈન પીટિશનમાં તેના વકીલોએ દાવો કર્યો હતો કે, તે પોતાના શરાબી પિતા દ્વારા બાળપણમાં હિંસક દુર્વ્યવહારના કારણે ફેટલ આલ્કોહોલ સિન્ડ્રોમ અને મસ્તિષ્ક આઘાતથી પીડિત છે.
આ કારણે તેની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને મૃત્યુની સજા ટાળવી જાેઈએ. દક્ષિણ અમેરિકી રાજ્ય ઓક્લાહોમાએ ૨૦૧૫માં મૃત્યુદંડ પર કામચલાઉ પ્રતિબંધ લગાવ્યો હતો પરંતુ ૨૦૨૧માં તે પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ બુધવારે સુપ્રીમ કોર્ટે પણ ડોનાલ્ડની અરજી નકારી દીધી હતી અને ત્યારથી તેની મૃત્યુની સજાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
સંયુક્ત રાજ્ય અમેરિકામાં પ્રતિવર્ષ આપવામાં આવતી મૃત્યુની સજામાં કેટલાક સમયથી ઘટાડો નોંધાયો છે. ૨૩ અમેરિકી રાજ્યોમાં મૃત્યુદંડ સમાપ્ત કરી દેવામાં આવ્યો છે. જ્યારે અન્ય ૩- કેલિફોર્નિયા, ઓરેગન અને પેન્સિલ્વેનિયાએ તેના ઉપયોગ પર હાલ કામચલાઉ પ્રતિબંધ મુકેલો છે.SSS