Western Times News

Gujarati News

માઈનસ ૩૦ ડીગ્રીમાં પટેલ પરિવાર ૧૧ કલાક ચાલ્યો

અમદાવાદ, ૧૯મી જાન્યુઆરીના રોજ અમેરિકા-કેનેડાની બોર્ડર પરથી મૃત હાલતમાં મળી આવેલા ચાર ગુજરાતીઓની સત્તાવાર ઓળખ જાહેર કરવામાં આવી છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે પોતાના સત્તાવાર ટ્‌વીટર હેન્ડલ પર જણાવ્યું છે કે મૃતકો ભારતીય છે, અને તમામ એક જ પરિવારના છે.

તેમનું મોત ઠંડીમાં થીજી જવાને કારણે થયું હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. મોતને ભેટેલા ચારેય કલોલના ડીંગુચા ગામના વતની હતા. તેમની ઓળખ જગદીશ પટેલ (ઉં. ૩૯ વર્ષ), વૈશાલી પટેલ (ઉં. ૩૭ વર્ષ), વિહાંગી (ઉં. ૧૧ વર્ષ) અને ધાર્મિક પટેલ (ઉં. ૩ વર્ષ) તરીકે કરવામાં આવી છે. કેનેડાથી ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશતી વખતે માઈનસ ૩૦ ડિગ્રીથી પણ નીચા તાપમાનમાં આ પટેલ પરિવાર થીજી ગયો હતો, અને તેણે ત્યાં જ દમ તોડી દીધો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, બોર્ડરથી માંડ ૧૨ મીટર દૂર અમરસન નામના ટાઉનની હદમાં દમ તોડ્યો હતો. આ કેસની અત્યારસુધી બહાર આવેલી વિગતો અનુસાર, આ પરિવારને કેનેડાના વિઝિટર વિઝા મળ્યા હતા.

આ મહિને જ તેઓ કેનેડા પહોંચ્યાં હતાં અને ત્યાંથી બોર્ડર ક્રોસ કરીને અમેરિકા જવા નીકળ્યા હતા. કેનેડા સ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા પણ તમામ મૃતકોની ઓળખ જાહેર કરવામાં આવી છે. સ્થાનિક પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પટેલ પરિવાર ૧૨ જાન્યુઆરીના રોજ કેનેડા આવી પહોંચ્યો હતો.

તેમની ફ્લાઈટ ટોરેન્ટો લેન્ડ થઈ હતી. જ્યાંથી તેઓ યુએસ કેનેડાની બોર્ડર પર આવેલા પ્રાંત માનિટોબા પહોંચ્યા હતા. તેઓ અમેરિકા પહોંચવા માટે બોર્ડર ટાઉન એમરસન ગયા હતા અને ત્યાંથી માઈનસ ૩૫ ડિગ્રી તાપમાનમાં પગપાળા બોર્ડર ક્રોસ કરવા પ્રયાસ કર્યો હતો. ૧૮ જાન્યુઆરીએ તેઓ અમેરિકાની બોર્ડર ક્રોસ કરવા નીકળ્યા હતા, અને ૧૯મી જાન્યુઆરીએ ચારેયના મૃતદેહ મળી આવ્યા હતા.

તેમના મૃતદેહ મળ્યા તેની આસપાસ કોઈ વાહન નહોતું મળ્યું મતલબ કે પટેલ પરિવારને એક નિશ્ચિત જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો જ્યાંથી તેણે પગપાળા પોતાનો પ્રવાસ શરુ કર્યો હતો. ૧૯ જાન્યુઆરીએ જ અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશતા સાત ભારતીય બોર્ડર એજન્ટ સહિત ઝડપાયા હતા.

જાેકે, પટેલ પરિવાર તેમની સાથે જ હતો કે કેમ તેના પર કેનેડાની પોલીસે કોઈ ટીપ્પણી નથી કરી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પટેલ પરિવાર કાતિલ ઠંડીમાં બે બાળકો સાથે લગભગ ૧૧ કલાક સુધી ચાલતો રહ્યો હતો.

કેનેડાના જે પ્રાંતમાંથી તેમના મૃતદેહો મળી આવ્યા ત્યાં ગુજરાતીઓની મોટી વસ્તી છે. જાેકે, આ ઘટના બાદ સૌ કોઈ આઘાતમાં છે. પટેલ પરિવારે આખરે કોની મદદથી પગપાળા અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો તેની કેનેડાની પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. જેમાં ભારત અને અમેરિકાનો પણ સહકાર લેવાઈ રહ્યો છે. મૃતક પરિવારના કોઈ સંબંધી અમેરિકા કે કેનેડામાં રહે છે કે કેમ તેની કોઈ વિગતો હજુ નથી મળી શકી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.