ગુજરાત યુનિવર્સિટીનો ૭૦મો પદવીદાન સમારંભ રાજ્યપાલની અધ્યક્ષતામાં ઓનલાઈન યોજાશે

મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાેડાશેઃ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર તેમજ કિર્તીસિંહ વાઘેલા અને અગ્રસચિવ એસ.જે.હૈદર ઉપસ્થિત રહેશે ઃ ૪૯,૫૨૮ છાત્ર-છાત્રાઓને પદવી એનાયત કરાશેઃ ૨૮૦ મેડલ એનાયત કરાશેઃ ૬૨ શિષ્યવૃત્તિ, પરિતોષિક પ્રદાન કરાશે
અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીનો ૭૦મો પદવીદાન સમારંભ ૨૯, જાન્યુઆરી-૨૦૨૨ના રોજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સવારે ૧૧.૪૫ કલાકે ઓનલાઈન યોજાશે. આ પદવીદાન સમારંભમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ઓનલાઈન જાેડાઈને છાત્ર-છાત્રાઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવશે.
ગુજરાત યુનિવર્સિટીના પ્રજ્ઞાવાન કુલપતિ ડો.હિમાંશુ પંડ્યા આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના વ્યવસ્થાપક મંડળ વતી સૌનું શાબ્દિક સ્વાગત કરશે અને યુનિવર્સિટીની પ્રગતિનો ચિતાર રજુ કરશે.
ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.જગદીશ ભાવસાર તેમજ કુલસચિવ ડો.પીયુષ પટેલે પદવીદાન સમારંભની વિગતો આપતાં જણાવ્યું છે કે, ગુજરાત યુનિવર્સિટીનાં ૭૦માં પદવીદાન સમારંભમાં વિનયન, વિજ્ઞાન, ઈજનેરી, કાયદા, તબીબી, વાણિજ્ય, દંતવિજ્ઞાન, શિક્ષણ અને ફાર્મસી એમ કુલ-૯ વિદ્યાશાખાના ૪૯,૫૨૮ છાત્ર-છાત્રાઓને પદવી એનાયત કરાશે.
ગુજરાત યુનિવર્સિટીના ૮૦માં પદવીદાન સમારંભમાં ૨૮૦ મેડલ એનાયત કરવામાં આવશે. તેમજ ૬૨ શિષ્યવૃત્તિ, પારિતોષિકથી સન્માનવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીના ૭૦માં પદવીદાન સમારંભમાં વિવિધ વિદ્યાશાખાના ડીનઓ, સિન્ડીકેટ સભ્યો, સેનેટ સભ્યો, એકેડેમિક કાઉન્સિલના સભ્યો, યુનિવર્સિટી ભવનના ડાયરેક્ટરો, વિભાગ અધ્યક્ષો, અધ્યાપકો, વિવિધ કોલેજના આચાર્યાે, મેડલ વિજેતા છાત્ર-છાત્રાઓ, પદવી પ્રાપ્ત કરનાર છાત્ર-છાત્રાઓ, દાતાઓ, અધિકારીઓ સહિત શિક્ષણ પ્રેમીઓ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ માધ્યમથી જાેડાશે.