કર્ણાટકમાં કોરોના પ્રતિબંધમાં છુટછાટ: 31 જાન્યુઆરીથી નાઈટ કર્ફ્યુ હટાવાશે, બેંગ્લોરમાં શાળાઓ ખોલવાની પરવાનગી

નવી દિલ્હી, કર્ણાટક સરકારે રાજ્યભરમાં કોરોના સાથે જોડાયેલા પ્રતિબંધોમાં છુટછાટ આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં નાઇટ કર્ફ્યુ 31 જાન્યુઆરીથી હટાવવામાં આવશે જ્યારે રાજધાની બેંગલોરમાં તમામ સ્કૂલોને કોવિડ ગાઈડ લાઈનનું કડકાઈથી પાલન કરવાની સાથે સોમવારથી ઓફલાઈન વર્ગો શરૂ કરવાની પરવાનગી હશે.
સાથે જ થિયેટર સિવાય, હોટલ, બાર અને પબમાં 50% ક્ષમતા સાથે મંજૂરી આપવામાં આવી છે. આઉટડોર લગ્નોમાં 300 લોકોને ભેગા થવાની મંજૂરી આપવામાં આવશે, જ્યારે ઇન્ડોર લગ્નમાં 200 સભ્યોને મંજૂરી આપવામાં આવશે. મહારાષ્ટ્ર, ગોવા, કેરળથી રાજ્યમાં પ્રવેશ કરતા લોકોએ કોવિડ નેગેટિવ સર્ટિફિકેટ બતાવવું પડશે.
કર્ણાટકમાં શુક્રવારે કોરોનાના 31,198 નવા કેસ નોંધાયા જે ગુરૂવારની તુલનામાં લગભગ 7,000 હજાર ઓછા છે. રાજ્યમાં શુક્રવારે 50 મૃત્યુ પણ નોંધાયા હતા, જેમાંથી આઠ બેંગલુરુના હતા. છેલ્લા 24 કલાકમાં 71, 092 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જેમાંથી સ્વસ્થ થનારા લોકોની કુલ સંખ્યા 33,96,093 થઈ ગઈ છે.
દેશમાં કોરોનાની ત્રીજી લહેર તેના ઢોળાવ પર જોવા મળી રહી છે. મહામારીના દૈનિક કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે 2.35 લાખ નવા કેસ નોંધાયા છે જ્યારે રિકવર થનારા લોકોની સંખ્યા 3.37 લાખ નજીક રહી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, પોઝિટિવ કેસની ગતિ આગામી 4-5 અઠવાડિયા સુધી આમ જ રહેશે. તેઓએ તહેવારની સિઝન, લગ્ન પ્રસંગો અને ચૂંટણીની ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને આ અનુમાન લગાવ્યું છે.