નરોડામાં પોલીસ પર હુમલો કરનાર ત્રણ શખ્શો પકડાયા
(સારથી એમ.સાગર) અમદાવાદ, ત્રણ દિવસ અગાઉ નરોડામાં બુટલેગરને પકડવા ગયેલા પોલીસ કર્મચારીઓ પર બુટલેગર તથા અન્ય ૧૦ થી ૧ર શખ્શોના ટોળાએ હુમલો કર્યો હતો અને માર મારીને તેમને ભગાડ્યા હતા આ ઘટનાને પગલે શહેર ક્રાઈમબ્રાંચે ગુનામાં સામેલ ત્રણ શખ્શોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે પ્રજાસત્તાક દિને નરોડામાં બુટલેગરને પકડવા ગયેલા પોલીસકર્મીઓ ઉપર બુટલેગર અનીલ ઉર્ફે કાળી અને તેનો ભાઈ સંજય સહીત ચાલીના રહીશો મળી દસથી બાર લોકોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો જે અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો.
આ ઘટના સંદર્ભે શહેર ક્રાઈમબ્રાંચ સક્રીય થતાં પીઆઈ એચ.એમ. વ્યાસની ટીમને આરોપી જયેશ ઉર્ફે જીજ્ઞેશ ઉર્ફે જીગો બળદેવભાઈ સોલંકી, બળદેવ મોહનભાઈ સોલંકી તથા ઉમેશ બબલુભાઈ વણજારા નરોડા મુઠીયા રણાસણ ટોલનાકાથી શાંતિપથ રેસીડેન્સી સામે મેદાનમાં હોવાની બાતમી મળી હતી જેથી તુરંત સક્રીય થઈને પીઆઈ વ્યાસની ટીમે ત્રણેયને ઝડપી લીધા હતા. અત્રે નોંધનીય છે કે જયેશ ઉર્ફે જીગો અગાઉ ઘરફોડ ચોરી, વાહન, ટાયર ચોરી ઉપરાંત પોક્સો અને બળાત્કાર અને પ્રોહીબિશનના કેસોમાં પણ પકડાયેલો છે જેની સામે પાસા પણ થયેલા છે.