ઓડિસાના યુવકે કર્યુ એવું કામ કે, સુરતના છ જણાંને નવું જીવન મળ્યું
બ્રેઈન ડેડ થયેલા સુશીલ સાહુના હૃદય, કિડની, લીવર અને કોર્નિયાનું દાન કરવામાં આવ્યું છે.
(એજન્સી) સુરત, મૂળ ઓડિશાનો ૩૩ વર્ષીય પ્રવાસી મજૂર ડાયમંડ સિટીનો ૪૦મો હૃદય દાતા બન્યો છે. સુશીલ સાહુનું નિધન થતાં તેમના અંગદાન થકી ૬ લોકોને નવી જિંદગી મળી છે. સુશીલ સાહુના હૃદય, કિડની, લીવર અને કોર્નિયાનું દાન કરવામાં આવ્યું છે.
સુશીલના ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ ના થઈ શક્યું કારણકે મેળવનાર દર્દી કોરોના સંક્રમિત થયો. સુશીલનું હૃદય ચેન્નૈના એક દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું જ્યારે તેની કિડની અને લીવર અમદાવાદના ત્રણ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે. લોકશક્તિ આઈ બેન્કે સુશીલના કોર્નિયાનું દાન સ્વીકાર્યું છે.
મુંબઈના એક દર્દીમાં સુશીલના ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હતું પરંતુ તે કોરોના સંક્રમિત થતાં ઓપરેશન ના થઈ શક્યું. સુશીલના પરિવારની ઈચ્છાનું માન રાખીને તેનો પાર્થિવ દેહ ડોનેટ લાઈફ દ્વારા હવાઈ માર્ગે ઓડિશા મોકલવામાં આવ્યો હતો. સુશીલનો મૃતદેહ મોકલવામાં શહેરના કમિશનર બંચ્છાનિધિ પાનીએ પણ મદદ કરી હતી.
ઓડિશાના ગંજમ જિલ્લાના અલાડી ગામનો મૂળ વતની સુશીલ સુરતના સાયણ સ્થિત યુનિટમાં વણાટ કામ કરતો હતો. ૨૬મી જાન્યુઆરીએ તેનું બ્લડપ્રેશર વધી જતાં કામ કરતાં કરતાં ઢળી પડ્યો હતો. બાદમાં તેને સાયણની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પરંતુ તેની સ્થિતિ ના સુધરતાં બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ખબર પડી કે, સુશીલને બ્રેન હેમરેજ થયું છે અને લોહીનો ગઠ્ઠો જામી ગયો છે. જેથી ડૉક્ટરે તેને બ્રેનડેડ જાહેર કર્યો હતો. બાદમાં ડોનેટ લાઈફના પ્રતિનિધિઓને જાણ કરાતાં તેમણે સુશીલના પરિવારનો સંપર્ક કર્યો હતો અને અંગદાન કરવા સમજાવ્યા હતા.
તેનો પરિવાર અંગદાન માટે તૈયાર થતાં અમે તેના અંગો કાઢ્યા હતા. આ શહેરનું ચાળીસમું હૃદય દાન છે, તેમ ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડેવાલાએ જણાવ્યું. સુશીલ સાહુ ૨૮ વર્ષીય પત્ની પિંકી અને ૧ વર્ષના દીકરા અભયને રડતાં મૂકીને ગયો છે.
અમે સુશીલનો મૃતદેહ તેના વતન મોકલવાની વ્યવસ્થા કરી હતી, જેથી પરિવાર તેના રિવાજાે પ્રમાણે અંતિમ સંસ્કાર કરી શકે, તેમ ડોનેટ લાઈફના કર્મચારીએ જણાવ્યું. અત્યાર સુધીમાં ડોનેટ લાઈફની મદદથી સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ૯૯૬ અંગદાન થયા છે. કુલ ૪૦ હૃદય, ૪૧૮ કિડની, ૧૭૮ લીવર, ૮ સ્વાદુપિંડ, ૨૬ ફેફસા, ૪ હાથ અને ૩૨૨ ચક્ષુઓનું દાન થયું છે.