ચાર શખ્સો બાઇક પર આવી યુવકને મારમાર્યા બાદ છરી મારી
રાજકોટ, જેતપુરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા વનરાજભાઈ ઉર્ફે કારો રવજીભાઈ સાસીયા(ઉ.વ.28)એ પોલીસ ફરિયાદમાં તેના જ વિસ્તારમાં રહેતા રામદેવ ઉર્ફે ભરત સામતભાઈ સાંજવા અને તેની સાથેના અજાણ્યા ત્રણ શખ્સોના નામ આપતા તેઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
વનરાજભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરિવાર સાથે રહું છું અને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોશિયન ના ફિલ્ટર પ્લાન્ટમાં દેખરેખ કરવાની નોકરી કરી મારૂ અને મારા પરિવારનું ગુજરાન ચલાવું છું.
સવારના હું મારા ઘરેથી મારૂ બાઇક લઈ રબારીકા રોડ પર આવેલ જેતપુર ડાઈગ એન્ડ પ્રિન્ટીંગ એસોશિયન ના ફિલ્ટર પ્લાન્ટ પર ગયેલ અને આ ફિલ્ટર પ્લાન્ટથી હું આગળ ગટરનું નિરીક્ષણ કરવા માટે જતો હતો ત્યારે રબારીકા રોડ પર આવેલ કૈલાશ ટ્રાન્સપોર્ટ સામે રબારીકા ગામ તરફથી બે મોટર સાયકલ આવેલ જેમાં ચાર માણસો હતા.
તેમાંથી એક બાઇક મારી પાસે ઉભુ રહેલ અને તે બાઇકનો ચાલક રામદેવ ઉર્ફે ભરત સામતભાઇ સાંજવા હતો તે મને જેમફાવે તેમ બિભત્સ ગાળો દેવા લાગેલ અને તેની સાથે રહેલ બીજા બાઇક વાળા પણ મારી પાસે આવી મને ગાળો દેવા લાગેલ અને રામદેવ ઉર્ફે ભરત સાંજવા મારો કાઠલો પકડી ઢોકાપાટુનો માર મારવા લાગેલ
અને રામદેવ ઉર્ફે ભરત સાંજવા સાથે આવેલ ત્રણ અજાણ્યા ઇ સમો મને પકડી પાડેલ અને રામદેવ ઉર્ફે ભરત સાંજવાએ છરી કાઢી મને ડાબા હાથમાં કાંડા ઉપર ઉપરા ઉપરી બે ઘા મારી દીધેલ અને મને હાથમાં લોહી નીકળવા લાગતા આ ચારેય શખ્સો ત્યાંથી ભાગી ગયેલ હતા.ત્યારબાદ મને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવનું કારણ એ છે કે આજથી સાતેક મહીના પહેલા મેં આ રામદેવ ઉર્ફે ભરત સાંજવા અને તેના પિતા સામતભાઇ સાંજવા વિરૂદ્ધ એટ્રોસીટીની ફરિયાદ કરેલ હતી જેનો ખાર રાખી આજરોજ હું રબારીકા રોડ પર આવેલ ફિલ્ટર પ્લાન્ટ પર મારી નોકરીએ હતો ત્યારે આ લોકોએ હુમલો કર્યો હતો.આ અંગે જેતપુર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.