શોર્ટ સર્કિટના કારણે પોલ્ટ્રી ફાર્મમાં લાગી ભીષણ આગ, ૨૫૦૦થી વધુ મરઘાના મોત
કોચ્ચી, કેરળના કોઝિકોડથી હાલ એક ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. અહીં વાડીકડાવુ પાસેના પોલ્ટ્રી ફાર્મમાં લાગેલી આગમાં ૨૫૦૦થી વધુ મરઘા બળીને ખાખ થઇ ગયા હતા. પોલીસે જણાવ્યું કે, આ ઘટના શનિવારના રોજ રાત્રે ૮ વાગ્યે આસપાસ બની હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. એક કલાક પછી કેટલાક સ્થાનિકોની મદદથી ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
મુકકોમ ફાયર સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આગની લપેટમાં ફાર્મ હાઉસ અને પોલ્ટ્રી ફીડ સ્ટોક સહિતની તમામ સામગ્રી નાશ પામી હતી. પોલીસે જણાવ્યું હતું કે આગ ઇન્વર્ટરમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હતી.
આ સાથે જ શુક્રવારે મહારાષ્ટ્રના પાલઘરથી એક ચોંકાવનારો અકસ્માત નોંધાયો હતો. વાસ્તવમાં અહીં એક ચાલુ ટ્રકમાં આગ લાગી હતી અને ડ્રાઈવરને લાંબા સમય સુધી તેની જાણ નહોતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, પાલઘર જિલ્લા ના મુંબઈ-અમદાવાદ હાઈવે પર ઘાસચારા ભરેલી ટ્રકના ચાલકે કમ સે કમ ચાર કિમી સુધી ટ્રક ચલાવી હતી અને તેને એ પણ ખબર નહોતી કે તેના માલમાં આગ લાગી છે. તેની સળગતી ટ્રકનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ડ્રાઇવર સળગતા ટ્રક સાથે રસ્તા પર ડ્રાઇવ કરી રહ્યો હતો ત્યારે ત્યાં પસાર થઇ રહેલા અન્ય વાહનોના ચાલકોએ સ્થાનિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જિલ્લાના વસઈ-વિરાર નગરપાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ સમાચાર મળતાં જ ફાયરની બે ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી આગને કાબૂમાં લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોઈ જાનહાનિ થઈ ન હતી તેમછતાં ટ્રક સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.HS