રાજકોટમાં આવેદનપત્ર આપવા પહોંચેલી ભીડ ઉગ્ર બની, પોલીસે લાઠીચાર્જ કરતા નાસભાગ
રાજકોટ, ધંધૂકામાં કિશન ભરવાડની હત્યાનો મામલો માત્ર ગુજરાત જ નહીં ભારતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. અનેક લોકો આ હુમલાને વખોડી રહ્યાં છે અને ન્યાયની માંગ કરી રહ્યાં છે. ગુજરાતમાં પણ કિશનને ન્યાય અપાવવા માટે લોકો રેલીઓ કાઢી રહ્યાં છે અને આરોપીએને સજા આપવાની માંગ કરી રહ્યાં છે.
આજે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો ભેગા થયા હતા. તેમણે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. આ સાથે આરોપીઓનું એનકાઉન્ટ કરવાની માંગ કરી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
રાજકોટમાં માલધારી સમાજ અને હિન્દુ સંગઠનો કિશન ભરવાડની હત્યાના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ભેગા થતા સ્થિતિ કાબુ બહાર જઈ રહી હતી. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કરતા દોડાદોડી થઈ હતી.
આ દરમિયાન એક પોલીસકર્મી એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં ડંડા સાથે દોડતા જાેવા મળ્યા હતા. કેટલાક લોકોને પકડીને પોલીસે ડંડા પણ માર્યા હતા. રાજકોટમાં આવેદન પત્ર આપવા આવેલા લોકો પર લાઠીચાર્જ કરવા પર ડીસીપીએ નિવેદન આપ્યું છે.
રાજકોટ ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ કહ્યુ કે, ટોળુ બેકાબુ બનતા તોડફોડ શરૂ કરી હતી. પોલીસે ટોળુ વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
અમદાવાદ ઉપરાંત રાજકોટમાં પણ માલધારી સમાજના લોકો આવેદન આપવા પહોંચ્યા હતા. લોકોએ કહ્યુ કે સરકાર હિન્દુઓના નામે મત માંગે છે તો કિશન ભરવાડના હત્યારાઓનું એનકાઉન્ટ કરે. તેમણે કહ્યું કે, હિન્દુત્વના રાજમાં હિન્દુઓની હત્યા કરવામાં આવી રહી છે.
અમદાવાદના ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા કેસનો આખો ઘટનાક્રમ પર નજર કરીએ તો, કિશન ભરવાડ પર બાઈક પર આવેલા બે શખ્સોએ ફાયરિંગ કર્યુ હતું. બાઈક સવારોએ કિશનનો પીછો કરી તેને ગોળી મારી હતી. શબ્બીર ચોપડાએ કિશન ભરવાડ પર ફાયરિંગ કર્યું હતુ. ઈમ્તિયાઝ પઠાણ બાઈક ચલાવતો હતો. પોલીસે આ કેસમાં મૌલવી સહિત ૪ આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપી શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝની ધરપકડ કરાઈ છે. બંને આરોપીની મદદ કરનાર અન્ય એક શખ્સની પણ ધરપકડ કરાઈ છે. શાર્પશૂટરોની મદદ કરનાર જમાલપુરના મૌલવી મોહમ્મદ ઐયુબ ઝરવાલાની ધરપકડ કરાઈ છે. જમાલપુરના મૌલવીએ આરોપી શબ્બીર ચોપડાને એક રિવોલ્વર અને ૫ કારતૂસ આપ્યા હતા.
કિશન ભરવાડ હત્યા કેસમાં અન્ય એક મુંબઈના મૌલવીની સંડોવણી પણ બહાર આવી છે. આરોપી શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણના રિમાન્ડ ૫ ફેબ્રુઆરી સુધી મંજૂર કરાયા છે. હાલ ધંધૂકા હત્યા કેસની તપાસ એટીએસને સોંપાઈ છે.Hs