પેટલાદ પાલિકાની સભામાં વિપક્ષનો હલ્લાબોલ-દસ મિનીટમાં સભા આટોપી લેતાં હોબાળો
(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ નગરપાલિકાની સાધારણ સભા આજરોજ યોજાઈ હતી. જેમાં કાર્યસુચી મુજબ ૨૯ કામો રજૂ કરવાના હતા. જે મુજબ સભા શરૂ થતાં પ્રમુખ સ્થાનેથી મૂકાનાર પાંચ કામો વંચાણે લીધા બાદ કાર્યસુચીના તમામ ૨૯ કામો મંજૂર કરી સભા પૂર્ણ જાહેર થતાં જ વિપક્ષે હલ્લાબોલ મચાવ્યો હતો.
સભામાં તમામ કામો વંચાણે લેવા વિપક્ષની રજૂઆત સાંભળ્યા સિવાય સભા આટોપી લેવાતા સત્તાધિશો અને વિપક્ષ સભ્યો વચ્ચૈ ઉગ્ર બોલાચાલી થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ નગરપાલિકાની સાધારણ સભા આજરોજ પાલિકાના સભાખંડમાં બપોરે ચાર કલાકે મળી હતી.
જેમાં વોર્ડ નં.૧ના નવા ચૂંટાયેલા સભ્ય નરેશભાઈ તળપદાનુ સન્માન કરી આવકાર્યા હતા. ત્યારબાદ સભાનું કામકાજ શરૂ થતાં સૌપ્રથમ પ્રમુખ સ્થાનેથી પાચ કામો રજૂ થયા હતાં. જેમાં જાહેર પ્રવેશ માર્ગો ઉપર સાઈન બોર્ડ લગાવવા, રસ્તાઓનું નામાભિધાન, ભૂગર્ભ ગટર યોજનાના પ્લાન એસ્ટીમેટ તૈયાર કરવા તથા ગેરહાજર સભ્યોના રજા રિપોર્ટના કામોનો સમાવેશ થતો હતો.
આ કામો બાદ કાર્યનું ચી મુજબના ૨૯ કામો મંજૂર કરી સભા પૂર્ણ થવા અંગેની જાહેરાત કમિટી ક્લાર્ક દ્ધારા પ્રમુખની સૂચના મુજબ કરી હતી. જેને કારણે સભામાં ઉપસ્થિત વિરોધપક્ષના સભ્યોએ હલ્લાબોલ મચાવતા જણાવ્યું હતું કે કામો મંજૂર કરવા સામે આમને કોઈ વાંધો નથી, પરંતુ કામો વંચાણે લેવા જાેઈએ.
જાે આ રીતે સરમુખત્યારશાહી થી કામો વંચાણે લીધા સિવાય સભા આટોપી લેવાની હતી તો સાધારણ સભા બોલાવવાનો શું અર્થ ? કાર્યંસુચી મુજબ કામ નં.૨૬ મુજબ પેટલાદ એપીએમસીમાં પાલિકાના પ્રતિનિધી તરીકે નિમણૂંક સામે કોઈ નામ નથી દર્શાવ્યું, તો એ માટે શું માનવું ?
તેવી જ રીતે અન્ય કેટલાક કામોમાં પણ કોઈ જ ઉલ્લેખ નથી તો કામો મંજૂર કેવી રીતે સમજવા ? આ હોબાળા વચ્ચે સભાનું કામ આટોપી લેવાતા કેટલાક સભ્યો સભાખંડમાંથી બહાર પણ નીકળી ગયા હતા. જાે કે મળતી માહિતી મુજબ પેટલાદ ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતીમાં નગરપાલિકાના પ્રતિનિધી તરીકે જય પટેલ અને ભાવિન પટેલના નામો મોખરે ગણવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પેટલાદ નગરપાલિકાના વર્તંમાન સત્તાધિશોને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે, પરંતુ નગરના વિકાસલક્ષી કોઈ કામો હાથ ઉપર લેવામાં નહિ આવ્યા હોવાની વાત ચર્ચાસ્પદ છે. ઉપરાંત કેટલાક સભ્યો નારાજ હોવાનો છૂપો ગણગણાટ પણ શરૂ થઈ ગયો છે.
આ એક વર્ષ દરમ્યાન વર્તમાન બોર્ડને પડતી નાણાકીય તકલીફો પણ સામે આવી છે. શહેરમાં સફાઈની અનિયમિતતા, ઉભરાતી ગટરો, કચરાના ઠેરઠેર ઢગલા વગેરે જેવા કામો પણ નહિં થતાં હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે.