ખોરાકની શોધમાં માનવવસ્તી સુધી પહોંચતા સિંહ-દિપડાઓ
સિંહોની ટેરેટરી ૧૦ થી ૧પ કી.મી.ની છે તો દિપડાની પ થી ૭ કિલોમીટરનીઃ સિંહોનો એવરેજ ખોરાક ૭ થી ૮ કિલો
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, સૌરાષ્ટ્રમાં ગીરના જંગલોને અડીને આવેલા વિસ્તારોમાં સિંહોના ટોળા કે દિપડાઓ આવવાની ઘટના દિન-પ્રતિદિન વધી રહી છે. ખોરાકની શોધમાં સિંહોના ટોળા ગામની સીમમાં ઘુસી જઈ વાડામાં રહેલા પ્રાણીઓ ગાય-ભેંસ વાછરડા-બકરાનો શિકાર કરે છે.
સૌરાષ્ટ્રના જંગલની નજીક આવેલા, અમરેલી, ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારની ઘટના પ્રકાશમાં આવતી જાેવા મળે છે. જંગલ- વિસ્તારોમાં રાની પશુઓ માટેનો ખોરાક ઘટતા સિંહો ટોળા સહિત ગામડાઓમાં ઘુસવા લાગ્યા છે. ખરેખર આ ચિંતાનો વિષય છે.
સામાન્ય રીતે સિંહ-દિપડા કેમ માનવવિસ્તારમાં ઘુસી રહ્યા છે તેની પાછળ ખોરાક જવાબદાર છે. આ વિષય સાથે સંકળાયેલા નિષ્ણાંતોનું માનવુ છે કે સિંહોની ટેરટરી ખુબ જ લાંબી વિશાળ હોય છે. તેનો વિસ્તાર અંદાજે ૧૦ થી ૧પ કિલોમીટરનો જાેવા મળતો હોય છે. આ વિસ્તારમાં તેને ખોરાક ન મળે તો તે પોતાની ટેરેટરી છોડીને શિકાર માટે માનવવસ્તી સુધી પહોંચી જાય છે.
તેની સામે દિપડાની ટેરેટરી પ થી ૭ કિલોમીટર સુધીની હોય છે. સિંહ-સિંહણ જેવા પ્રાણીનો ખોરાક શિયાળામાં વધી જતો હોય છે. જંગલ વિસ્તારમાં ફરતાં સિંહોનો ખોરાક લગભગ ૯-૧૦ કિલોનો હોય છે. તો ઝુમાં રહેલા સિંહોને પણ ૭ થી ૮ કિલો મટન જાેઈએ છે. તેની સામે દિપડાને ર થી ૩ કિલો ખોરાક જાેઈએ છે.
સિંહો એક વખત આટલી માત્રામાં ખોરાક લઈ લે પછી ૩-૪ દિવસ કરતા વધુ સમય તેને ખોરાક જાેઈતો નથી. દરમ્યાનમાં વિશેષ વિગતો માટે સંપર્ક કરતા ગોલ ફાઉન્ડેશનના અમીત રામી કે જેઓ વાઈલ્ડ લાઈફ સાથે સંકળાયેલા છે. તેમનું કહેવુ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં સિંહો આવે છેે તેની પાછળ મુખ્ય કારણ ખોરાકની શોધ છે.
સિંહ સામાન્ય રીતે તેમની ટેરેટરી છોડતા નથી. પરંતુ ખોરાકની શોધમાં તેઓ બહાર આવી જાય છે.સિંહોની તંદુરસ્તી સારી હોય તો તે ર૦ થી ર૩ વર્ષ સુધી આયુષ્ય ભોગવે છે.
સિંહ-દિપડા સહિતના પ્રાણીઓ બિમાર થાય તો ‘ફોરેસ્ટ વિભાગ’ તુરંત જ પહોંચી જાય છે. જંગલમાં ફરતા સિંહોને પહેલા ગનથી બેેભાન કરાય છે અને સારવાર અપાઈ છે. ફોરેસ્ટ વિભાગ તેમનું સતત મોનિટરીંગ કરે છે.
તો ગ્રામ્ય વિસ્તારના નાગરીકો પણ ફોરેસ્ટ વિભાગની સાથે રહીને ઉમદા કામગીરી કરે છે. ઘણીવખત તો રાત્રીના સમયે ખોરાકની શોધમા દિપડા પાણીમાં (કૂવામાં) પણ પડી જતાં હોવાના કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે. આવા કિસ્સામાં ગ્રામજનો મદદ માટે આગળ આવે છે. બીજી તરફ ફોરેસ્ટ વિભાગ પણ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી આરંભી દે છે.