રાજકોટ: ‘હવે કઈ ભેગું થાય તેમ નથી’ તેવો મિત્રને મેસેજ કરી યુવકે ઝેરી દવા ગટગટાવી
રાજકોટ, રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ ઉપર રહેતા સ્ટુડિયો સંચાલકે મુંજકામાં પોતાની દુકાને જઈ ‘હવે કાઈ ભેગું થાય તેમ નથી’ લખી બપોરના સમયે મિત્રને મેસેજ કરી તેમજ એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં મિત્રને આપેલા ૨૦ લાખ પરત નહી મળતા આ પગલું ભરું છું તેવો ઉલ્લેખ કરી ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં હોસ્પીટલે ખસેડાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ ઉપર રહેતો અને મુંજકામાં સ્ટુડિયો ધરાવતા અભિષેક દીપકભાઈ કામલીયા (ઉ.૨૬) નામના યુવાને ગઇકાલે બપોરે તેના મિત્રને મેસેજ કર્યો હતો જેમાં ‘મેં દુકાને આપઘાત કરી લીધો છે હવે કાઈ ભેગું થાય તેમ નથી’ તેવું કહી ઝેરી દવા પી લીધી હતી. આ મેસેજ મિત્રને બે કલાક પછી જાેયા બાદ દુકાને આવી અભિષેકને ૧૦૮ મારફ્તે ખાનગી હોસ્પીટલમાં ખસેડ્યો હતો. બનાવને પગલે યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.
પોલીસે તપાસ કરતા આ પગલું ભરતા પહેલા યુવકે લખેલી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, મેં ત્રણેક વર્ષ પૂર્વે મારા મિત્ર સિદ્ધરાજ ભુપતભાઈ સાકરિયાને મિત્રતાના દાવે ઉછીના પૈસા આપ્યા હતા.
ત્યારબાદ તેના પરિવારને પૂછતાં તેના પિતા ભુપતભાઈએ સિદ્ધરાજ ઉપર દેણું થઇ ગયું છે છ મહિના માટે પૈસાની જરૂર છે તેમ કહી રૂ.૨૦ લાખ માંગતા જુદા જુદા મિત્રો પાસેથી ઉછીના લઈને મેં આપ્યા હતા પરંતુ પૈસા પરત માંગતા ધમકીઓ આપતા હતા મેં થોડા ઘણા પૈસા ચૂકવી દીધા છે પણ હવે વધુ ચૂકવી શકું તેમ નહી હોવાથી આ પગલું ભરું છું.
આ સાથે યુવાન ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલની અંદર આઇસીયુ વોર્ડમાં બેભાન હાલતમાં દાખલ હોય જેથી પોલીસ નિવેદન નોંધવા પહોચી તે સમયે નિવેદન નોંધી શકાયું નથી. ત્યારે હવે યુવક ભાનમાં આવ્યા બાદ પોલીસ દ્વારા નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરશે.HS