ભોયરામાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં વાહનચાલકો રસ્તા પર જ વાહનો આડેધડ પાર્કિંગ કરે છે
ભોંયરામાં વાહન પાર્ક કરવા જતા બેદરકારી- આળસવૃત્તિ જવાબદાર છે-
વિદેશની માફક પાર્કિંગનો ખુલ્લો વિસ્તાર ગ્રાઉન્ડ ફ્લોર કે ફર્સ્ટ ફ્લોર પર કરો-અમદાવાદમાં પાર્કિંગની સુવિધા મજબૂત બનશે
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરોનો વિકાસ થાય છે ત્યારે તેની સાથે કેટલાક પ્રશ્નો-સમસ્યાઓનું પણ સર્જન થઇ જતુ હોય છે. આ પ્રશ્નો-સમસ્યાઓનો શહેરીજનોને અસર કરે છે પણ તેની સાથે ગુંડાગીરી, અસામાજીક પ્રવૃત્તિઓ સહિતની બદીઓ ફ્લેક્ષ લે છે. આમાંથી સમાજને બહાર લાવવા માટે પ્રશાસને આગળ આવવુ પડશે.
કોઇપણ શહેરનું આધુનિકરણ થતુ હોય છે મતલબ કે તેનો વિકાસ થતો હોય ત્યારે “ટાઉન પ્લાનિંગ” મહત્વનો ભાગ ભજવે છે. જાે યોગ્ય પ્લાનીંગ નહીં થાય તો અનેક પ્રશ્નો ઉદભવે છે. લાંબા ગાળે આ નાના-પ્રશ્નો મોટી સમસ્યારૂપ બનતા હોય છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને પાર્કિંગ મોટો પ્રશ્ન છે તેના ઉકેલ માટે ટાઉનપ્લાનીંગ વિભાગે આગળ આવવુ પડશે.
જરૂર પડે ધરમૂળથી ફેરફાર કરવો પડે તો હિંમતભર્યો નિર્ણય લેવો પડશે. ટ્રાફિક-પાર્કિંગની સમસ્યા માથાના દુઃખાવા સમાન થઇ ગઇ છે. તેના તરફ દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. તે ચિંતાજનક છે. ટ્રાફિકની સાથે પાર્કિંગની સમસ્યા પાછળ કેટલાક વર્ષોથી સપાટી પર આવી છે. ત્યારે ટાઉનપ્લાનીંગ વિભાગે બાંધકામના નિયમોમાં ફેરફાર કરવા જાેઇએ.
તેના માટે બિલ્ડરોને સાથે રાખીને આગળ વધવુ આવશ્યક થઇ ગયુ છે. બાંધકામના નિયમોમાં ફેરફાર કરી ભોયરામાં બે માળ સુધીના પાર્કિંગ રાખવા જાેઇએ.
બીજી તરફ પાર્કિંગનો ખુલ્લો વિસ્તાર ગ્રાઉન્ડ ફ્લોર અગરતો ફર્સ્ટફ્લોર પર રાખવો જાેઇએ. વિદેશમાં પાર્કિંગના પ્રશ્નના ઉકેલ માટે આ પ્રકારની સિસ્ટમ અપનાવવામાં આવી છે. આપણે ત્યાં ભોયરામાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં વાહનચાલકો રસ્તા પર જ વાહનો આડેધડ પાર્કિંગ કરે છે.
પરિસ્થિતિ એ આવે છે કે રસ્તા પર ચક્કાજામ થઇ જાય છે. આપણે ત્યાં કોમ્પ્લેક્ષમાં જતા વાહન ચાલકોમાં આ બાબતે જાગૃતિ જાેવા મળતી નથી. છેક ભોંયરામાં વાહન પાર્ક કરવા જતા બેદરકારી- આળસવૃત્તિ જવાબદાર છે તેથી ઠેરઠેર આપણને પાર્કિંગની જગ્યાએ વાહનો ઘણી વખત રસ્તા પર પડેલા જાેવા મળે છે.
આધુનિક યુગમાં કામકાજના સ્થળે ઝડપથી પહોંચવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની જગ્યાએ પોતાના પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ કરનાર વિશાળવર્ગ છે તેમાં ચાર-પાંચ મેમ્બર હોય અને અભ્યાસ કરતા બાળકો હોય તો તેઓ પોતાના વાહનો લઇને જતા હોય છે. તો કામ-ધંધે જતી વ્યક્તિ પોતાનું વાહન લઇને જાય છે.
અમદાવાદમાં મોટા મોટા બિલ્ડીંગો, રહેણાંકો કે ઓફિસોમાં ઘરદીઠ ચારથી પાંચ વાહનો જાેવા મળતા હોય છે તેથી આવા તમામ સ્થળોએ ચારથી પાંચ વાહનો પાર્ક થાય તેવી સુવિધા ઉપલબ્ધ થવી જાેઇએ. ખરેખર તો અમુક કોમ્પ્લેક્ષના કેસોમાં તો બિલ્ડરો તરફથી પ્લાનમાં દર્શાવવા પ્રમાણે પાર્કિંગની સુવિધા જ હોતી નથી. આવા કોમ્પ્લેક્ષો બિલ્ડિંગોમાં રહેનારા વાહનો રસ્તા પર આડેધડ પાર્ક કરી દે છે. તો સોસાયટીઓમાં આ સમસ્યા લાંબા સમયથી છે. એક જ ઘરમાં ત્રણ-ચાર વાહનો હોય તો વાહનો પાર્ક ક્યાં કરવા તે સમસ્યા સતાવતી હોય છે.
ઘણાસમયથી અમદાવાદ શહેરમાં એક નવો પ્રશ્ન ઉદભવ્યો છે અને તે છે મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્ષની બહાર ઊભા થતા લારી-ગલ્લા આ લારી-ગલ્લા પર અનેક પ્રકારના લોકો આવે છે.
ગેરકાયદેસર લારી-ગલ્લાઓ પરનો અમુક પ્રકારના અસામાજીક તત્વોની ખુલ્લેઆમ બેઠક થઇ જતી હોય છે અહીંયાથી ગેરકાયદે પ્રવૃતિઓ થતી હોવાની આશંકા છે દારૂ-ડ્રગ્સ સહિતની બદીઓનું જન્મદાતા સ્થળ આવા લારી-ગલ્લા હોઇ શકે છે !? આવા સ્થળે બેસતા તત્વો ઘણી વખતતો ગુંડાગીરી પર આવી જઇને મારામારી કરતા જાેવા મળતા હોય છે.
ખરેખર તો આવા ગેરકાયદે લારી-ગલ્લા અટકાવવા માટે બિલ્ડિંગના બિલ્ડરોની સાથે કોમ્પ્લેક્ષના વહીવટકર્મચારીઓની જવાબદારીમાં મૂકવા જાેઇએ. જેથી ઘણા પ્રશ્નોનો નિકાલ થઇ જશે. શહેરનો વિકાસ થાય પણ આ બધી બાબતો પર ધ્યાન અપાય તો શહેરોને અનેક પ્રકારના પ્રશ્નો-સમસ્યાઓની માયાજાળમાંથી બહાર નીકળી શકાશે. ગંદકી-ગેરકાયદે કામકાજાે તેમજ અન્યબદીઓ અટકે તો શહેરના ક્રાઇમ રેટમાં પણ ફરક પડી શકે તેમ છે.