AMTS: દેવું કરીને કોન્ટ્રાકટરોને ઘી પીરસતી સંસ્થા
૭ર હજાર ચો.મી. જમીન દૈનિક રૂા.૪૧૭ના ભાડાથી કોન્ટ્રાકટરોને સોંપી: મનપાના નાણાંકીય પ્રહરી ઓડીટ વિભાગનું ભેદી મૌન
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસને “કોન્ટ્રાકટરો માટે” તથા “કોન્ટ્રાકટરો દ્વારા” ચાલતી સંસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. એક જમાનામાં એશિયાની સર્વશ્રેષ્ઠ પરિવહન સેવા તરીકે જાણીતી મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ દૈનિક રૂા.એક કરોડનું નુકશાન કરી રહી છે જેના માટે ખાનગીકરણને મહત્વનું પરિબળ માનવામાં આવી રહયુ છે.
સંસ્થાના કર્તાહર્તાઓ “દેવું કરીને કોન્ટ્રાકટરોને ઘી પીવડાવી” રહયા હોવાના પણ આક્ષેપ થતા રહયા છે જે મોટાભાગે સાચા સાબિત થઈ રહયા છે. એએમટીએસ અધિકારીઓ કોન્ટ્રાકટરોની સવલત સાચવવા માટે કોઈપણ નિર્ણય લઈ શકે છે સંસ્થા દ્વારા પ્રતિ કોન્ટ્રાકટરોને વાર્ષિક રૂા.૧પ૦ કરોડ કરતા પણ વધુ રકમ કોન્ટ્રાકટરોને ચુકવવામાં આવે છે તેમ છતાં કોન્ટ્રાકટરોને બસ પાર્ક કરવા માટે અબજાે રૂપિયાની જમીન નજીવા ભાડાથી આપવામાં આવી છે.
અમદાવાદ શહેરની જાહેર પરિવહન સેવા ખાનગી કોન્ટ્રાકટરો પર નિર્ભર છે. એએમટીએસ પાસે તેની સ્વ. માલિકીની માત્ર આઠ બસો જ છે. જેના આધારે શાસકો અને અધિકારીઓ એક હજાર બસો દોડાવવાના દાવા છેલ્લા દોઢ દાયકાથી કરી રહયા છે. એએમટીએસની કથળી ગયેલી સ્થિતિ માટે રાજકીય ઈચ્છા શક્તિના અભાવને મહત્વનું પરિબળ માનવામાં આવે છે.
જેનો લાભ કોન્ટ્રાકટરોને મળી રહયો છે. સંસ્થા પાસેથી પ્રતિ કિલોમીટર રૂા.૪૦ થી પપના ભાવ લેતા કોન્ટ્રાકટરો પાસે બસ પાર્ક કરવા જગ્યાનો અભાવ છે. ખાનગી ઓપરેટરો પર ન્યોછાદર થયેલા શાસક પક્ષ અને અધિકારીઓએ તેમનીઆ સમસ્યા પણ દુર કરી છે તથા સાત સ્થળે કોન્ટ્રાકટરોની સેવા માટે પાર્કીગ, વર્કશોપ અને ઓફીસ બનાવી આપ્યા છે.
સુત્રોએ જણાવ્યા મુજબ એએમટીએસ દ્વારા મેમનગર, અચેર, મેમ્કો, શ્રીનાથ, મિલ્લતનગર તથા રાણીપ ડેપો કોન્ટ્રાકટરોને પુર્ણ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા છે જેની સામે કોન્ટ્રાકટરો પાસેથી બસ દીઠ દૈનિક માત્ર રૂા.એક લેખે ભાડુ લેવામાં આવે છે. સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલા સાત ડેપોના ઓફીસ બિલ્ડીંગ પેટે માસિક રૂા.આઠથી દસ હજાર ભાડુ લેવામાં આવે છે.
એએમટીએસ દ્વારા જે ૦૬ ડેપો પાર્કીંગ માટે આપવામાં આવ્યા છે તેનુું કુલ ક્ષેત્રફળ અંદાજે ૭ર હજાર ચોરસ મીટર છે. જેની બજાર કિંમત અબજાે રૂપિયા થાય છે. આ કિંમતી જમીન પર કોન્ટ્રાકટરોની કુલ ૪૦ર બસ પાર્ક થાય છે. જયારે સારંગપુર ટર્મીનલ પર ૧૭ બસ પાર્ક કરવાની સુવિધા સંસ્થા તરફથી આપવામાં આવી છે.
આમ ૭ર હજાર ચોરસ મીટર જમીનના ભાડા પેટે સંસ્થાને દૈનિક રૂા. ૪૧૭ ભાડુ મળી રહયુ છે. શહેરના સૌથી અવિકસિત વિસ્તારમાં આટલા સસ્તા ભાડાથી લારી ઉભી રાખવા માટે જગ્યા મળતી નથી પરંતુ દેવું કરીને ઘી પીવડાવવા ટેવાયેલા શાસકો અને અધિકારીઓ દ્વારા નજીવા ભાડાથી અબજાે રૂપિયાની જમીન કોન્ટ્રાકટરોના હવાલે કરવામાં આવી છે.
ચોંકાવનાીર બાબત એ છે કે રૂા.ર૦૦ કરે રૂા.૪૦૦ માટે વાંધા જાહેર કરતા ઓડીટ વિભાગ દ્વારા ૭ર હજાર ચોરસ મીટર જમીન મામલે કોઈ જ વાંધા લેવામાં આવ્યા નથી. મનપાના સામાન્ય નિયમ મુજબ ભાડે આપેલી મિલ્કતનો પ્રોપર્ટી ટેક્ષ લેવો ફરજીયાત છે. પરંતુ કોન્ટ્રાકટરોના લાભાર્થે ટેક્ષ અંગે પણ આંખ આડા કાન કરવામાં આવ્યા છે તેમ છતાં “નાણાકીય પ્રહરી” ઓડીટ વિભાગ મૌન છે !