નારોલ પોલીસ સ્ટેશનમાંથી રીઢો ચોર ફરાર
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેર ક્રાઈમબ્રાંચે અઠવાડીયા અગાઉ આંતરરાજય ચોરી કરતાં એક રીઢા ગુનેગારને ભીમજીપુરા ખાતેથી ઝડપી લીધો હતો. પુછપરછમાં શહેરના જુદાં જુદાં પોલીસ સ્ટેશનના ચોરીના ડિટેક્ટ થયા હતા આ રીઢા ગુનેગારને નારોલ પોલીસ સ્ટેશને લાવતા તે નજર ચુકવી ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે ઉમેશ ખટીક નામના રીઢા ચોરને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો હતો અને બાદમાં સોમવારે નારોલ પોલીસને સોંપવામાં આવ્યો હતો જયાં સોમવાર સાંજથી જ ઉમેશ પોલીસની નજર કેદમાં હતો પરંતુ મંગળવારે વહેલી સવારે તે પોલીસ સ્ટેશનમાંથી જ પોલીસની નજર ચુકવીને રફુચક્કર થઈ જતાં ધમાચકડી મચી હતી.
જાેકે પોલીસને જાણ થાય એ પહેંલાં તો ઉમેશ ભાગી છુટયો હતો. બાદમાં નારોલ પોલીસના સ્ટાફે તેને શોધવા તજવીજ શરૂ કરી હતી પરંતુ તેની કોઈ ભાળ મળી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમેશે ગુજરાત ઉપરાંત હેૈદરાબાદ તથા બેંગ્લોરના વિવિધ વિસ્તારોમાં પણ ચેઈન સ્નેચીંગના કુલ ૧૮ ગુના આચર્યા હતાં.