Western Times News

Gujarati News

તીવ્ર ઠંડીથી હૃદયની રક્તવાહિનીમાં ખેંચ આવી જવાથી સાવધ રહેવા ડોક્ટર્સનું સૂચન

શિયાળાની ઠંડીમાં હાર્ટએટેકનું જાેખમ વધ્યુંઃ હૃદયરોગીઓની સંખ્યામાં ૨૦ ટકાનો ઉછાળો

(એજન્સી) અમદાવાદ, આ વર્ષ ડિસેમ્બરના મધ્ય ભાગથી શહેરમાં શિયાળાની ઠંડી જામી ગઇ છે ત્યારે ઠંડી વધવાની સાથે સાથે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં હૃદયરોગીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો હોવાનું જાણવા મળે છે.

ઠંડીથી હૃદયની રક્તવાહીનીઓમાં ખેંચાવ આવી જવાથી હૃદયરોગીઓએ આ સિઝનમાં વધુ સાવધ રહેવું જરૂરી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે અને તેમાંય અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતરી જવાથી બેઠાડુ જીવન જીવતા લોકોમાં શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલાનું જાેખમ વધ્યુ છે.

રોજિંદા તાપમાનમાં ઘટાડો થવાથી હૃદયરોગના હુમલાની શક્યતામાં નોંધપાત્ર વધારો થયો છે. આમ પણ સામાન્ય રીતે શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલાઓના કેસમાં ૧૦થી ૨૦ ટકાનો વધારો થાય છે.

હૃદયની સમસ્યાઓ, મેદસ્વીપણું, જીવનશૈલી સાથે બીજા અનેક સંબંધિત રોગો ધરાવતા લોકોનો એક મોટો વર્ગ તથા બેઠાડુ જીવનશૈલી જીવતા લોકોમાં શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલાનું જાેખમ વધુ રહે છે. આ ઉપરાંત વયોવૃદ્ધ અને પથારીવશ લોકોમાં પણ આ જ પ્રકારનું જાેખમ રહેલું છે.

શિયાળામાં દરમિયાન અને કોવિડ-૧૯ના કેસમાં હાલ વધારાના કારણે લોકો ઘરમાં રહેવાનું પસંદ કરે છે. તેઓ નિયમિત કસરત કરતા નથી, કેટલાક વધારે ધુમ્રપાન કરે છે, જેનાથી તેમની આરોગ્યલક્ષી સમસ્યામાં વધારો થાય છે. ઉપરાંત હવાનું પ્રદૂષણ તથા વાઇરલ અને ફેફસાનું ઇન્ફેક્શન ભૂમિકા ભજવે છે.

એક અંદાજિત આંક મુજબ શિયાલામાં હૃદયરોગીઓની સંખ્યા સામાન્ય ઋતુની તુલનામાં ૨૦ ટકા વધી જાય છે. શિયાળાની કડકડતી ઠંડીમાં હૃદયરોગના દર્દીઓએ કોઇપણ પ્રકારની કસરત પૂર્વે નિષ્ણાતને પૂછવું જાેઇએ તેવી પણ સલાહ આપવામાં આવે છે.

આ બાબતે જે લક્ષણો જાેવા મળે છે તે મુજબ છાતીમાં કોઇ પણ પ્રકારની પીડા થાય કે જ્યારે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય ત્યારે તત્કાળ નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરવો, હાઇ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસથી પીડિત દર્દીઓએ નિયમિત ચેકઅપ કરાવવું અને દવા લેવી જાેઇએ, ઠંડીમાં બહાર નીકળતા પૂર્વે ગરમ કપડા પહેરી રાખવા, ખૂબ તેલવાળા અને ગળપણવાળા પદાર્થોથી બચવુ જાેઇએ.

આવી વ્યક્તિઓએ શિયાળામાં સૂર્યોદય બાદ કુમળો તડકો નિકળે ત્યારે જ મોર્નિગ વોક કરવો. સવારના પાંચ કે છ વાગ્યે વાતાવારણમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે તેમજ મોર્નિગ વોકના લીધે શરીરમાં રક્તપ્રવાહની ગતિ વધી જાય છે. આથી વ્યક્તિને ગરમીનો અનુભવ થાય છે અને ગરમ વસ્ત્રોને હટાવી લે છે અને કાન-ટોપી વગેરે દૂર કરી લે તો ઠંડીની લપેટમાં આવી જવાની શક્યતા છે. (એનઆર)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.