બસ અડફેટે એક વ્યક્તિનું મોત થતા ટોળાએ બે બસોને આગ ચાંપી
ભરૂચના શેરપુરા ગામના એક વ્યક્તિનું મોત- ૩૦ થી ૪૦ લોકોના ટોળા સામે રાયોટીંગનો ગુનો દાખલ
(પ્રતિનિધિ) ભરૂચ, સોમવારે સાંજે ભરૂચ પોલીસની જીલ્લાવાસીઓને શાંતિનો માહોલ જાળવી રાખી અફવાઓથી અળગા રહેવાના સૂચન વચ્ચે રાત્રે અકસ્માતમાં ૧ વ્યક્તિના મોત બાદ અશાંતિની આગ ભભૂકી ઉઠતા પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી હતી
અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.તો ટોળાને વિખેરવા માટે પોલીસનો કાફલો ખડકી દેઈ મામલો થાળે પાડ્યા બાદ સીસીટીવી ના આધારે ૩૦ થી ૪૦ લોકોના ટોળા સામે એ ડીવીઝન પોલીસ મથકે રાયોટીંગ નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી હતી.
દહેજ બાયપાસ રોડ ઉપર ભરૂચના શેરપુરા ગામ નજીક માર્ગ પરથી પસાર થતી બિરલા કોપર કંપનીની લકઝરી બસે ૬૫ વર્ષીય ઈસ્માઈલ માંચવાલાને અડફેટે લેતા તેઓનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ.આ ઘટનાની જાણ સ્નિકોને થતાં રોષે ભરાયેલા લોકોના ટોળે ટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.
માર્ગ ઉપર ટોળાએ ચક્કાજામ કરી અકસ્માત સર્જક લકઝરી બસમાં તોડફોડ કરી તેને આગને હવાલે કરી દીધી હતી.આટલેથી જ ટોળા એ નહિ અટકી અન્ય એક લકઝરી બસમાં પણ આગ ચાંપવા સાથે અરાજકતા અને ભયનું વાતાવરણ સર્જી દીધું હતું.કિશન ભરવાડની હત્યા વચ્ચે ઘટનાને લઈ ભરૂચમાં જાેતજાેતામાં અફવા બજાર ગરમ થઈ ગયું હતું.
બીજી તરફ દહેજ બાયપાસના શેરપુરા રોડ નજીક ભડકે બળતી ૨ લકઝરી બસ વચ્ચે ટોળાના રસ્તા જામથી દહેજ,જંબુસર તેમજ હાઈવે અને ભરૂચ તરફથી આવતો ટ્રાફિક પણ અટકી ગયો હતો.
જાેત જાેતામાં રસ્તા ઉપર બન્ને તરફ વાહનોની લાંબી કતારો લાગવાની શરૂ થઈ ગઈ હતી.ભરૂચ પોલીસનો કાફલો અને ફાયરબ્રિગેડ સહિત ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડતી થઈ ગઈ હતી.પોલીસે માંડ માંડ મામલો થાળે પાડી રોષે ભરાયેલા ટોળાને વિખેરવાની કામગીરી હાથધરી છે.
જ્યારે સળગતી બસોને ફાયર ફાઈટરોએ બુઝાવવાની કવાયત આરંભી હતી.ઘટના બાદ વધુ વિગતો બહાર આવી શકે તેમ છે.લકઝરી બસમાં સવાર કંપનીના કર્મચારીઓ અને અન્ય મુસાફરો પોતાના જીવ બચાવવા સમય સુચકતા વાપરી બહાર નીકળી જતા તેઓનો બચાવ થયો હતો.
તો પોલીસે સીસીટીવી ના આધારે ૩૦ થી ૪૦ લોકોના ટોળા સામે એ ડીવીઝન પોલીસ મથકે રાયોટીંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી હતી.