અમદાવાદ જિલ્લાના ખેડૂતો પાસેથી ચણા તથા તુવેરની ટેકાના ભાવે ખરીદી કરાશે
તુવેર,ચણા-રાઇ પાક માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો 1લી ફેબ્રુઆરીથી થયો પ્રારંભ– ૨૮મી ફેબ્રુ.-૨૦૨૨ સુધી નોંધણી થઇ શકશે
અમદાવાદ જિલ્લામાં ખરીફ ઋતુમાં તુવેર પાક માટે અંદાજિત કુલ ૧૩,૨૦૨ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે, જે પૈકી સૌથી વધુ માંડલ તાલુકામાં અંદાજિત ૧૨,૦૨૨ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. જ્યારે રવી ઋતુમાં ચણા પાક માટે અંદાજિત કુલ ૫૮,૪૦૫ હેક્ટર વાવેતર થયું છે.
ખરીફ ઋતુમાં સારા વરસાદનાપગલે અને રવિ ઋતુમાં અનુકુળ વાતાવરણના કારણસર તુવેર તેમજ ચણા પાકમાં ઉત્પાદન વધવાની શક્યતાઓ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે જણસી ખરીદી કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
રાજ્ય સરકારે સમગ્ર ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ગુજકોમાસોલ દ્વારા તુવેર રૂપિયા ૬૩૦૦, ચણા રૂ. ૫૨૩૦ તથા રાઇ રૂ. ૫૦૫૦ પ્રતિ ક્વિન્ટલથી ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
તુવેર, ચણા તથા રાઇ પાક માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો ૧લી ફેબ્રુઆરીથી પ્રારંભ થઇ ગયો છે, જે તારીખ ૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી ગ્રામ્યકક્ષાએ વી.સી.ઇના મારફતે થઇ શકશે. ત્યારબાદ ૧લી માર્ચ- ૨૦૨૨થી ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ થશે.
નોંધણી માટે ખેડૂતોને આધાર કાર્ડની નકલ, આધાર નોંધણી નંબર અને તે અંગેનો પુરાવો, અદ્યતન ૭-૧૨, ૮-અ રેકોર્ડ્સની નકલ, ફોર્મ નંબર – ૧૨માં પાક વાવણીઅંગે એન્ટ્રી ના થઇ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો,
ખેડૂતોના નામે આઇ.એફ.એસ.સી કોડ સહિતની બેંક એકાઉન્ટની વિગતો માટે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સહિતના જરૂરી પૂરવા સાથે જે તે ગામના ઇ-ગ્રામ સેન્ટર ખાતેથી વી.સી.ઇ મારફતે નોંધણી કરાવવાની રહેશે. નોંધણી કરાવ્યા બાદ નોંધણી થયાની પહોંચ ખેડૂત દ્વારા જે તે વખતે સ્થળ પર મેળવી લેવાની રહેશે તથા જે તે ખરીદી વખતે નોંધણી અંગેની સ્લીપ ખરીદી કેન્દ્ર ખાતે રજૂ કરવાનું રહેશે.
ખેડૂતોને તેમનો જથ્થો સાફસૂફ તથા ચારણો કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સુકવી ખરીદી કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે, જેથી ખેડૂતોને ખરીદી વખતે કોઇપણ પ્રકારની અગવડ ઊભી ન થાય.
આમ, આ ટેકાના ભાવે તુવેર-ચણા તથા રાઇનું વેચાણ કરવા ઇચ્છતા તમામ ખેડૂતોને સમય મર્યાદામાં નોંધણી કરાવવાનો અનુરોધ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા કરવામાં આવ્યો છે.