જમાલપુરમાં ગેરકાયદેસર બંદુક સાથે ઈસમ પકડાયો
(સારથી એમ.સાગર) અમદાવાદ, શહેર એસઓજીની એક ટીમે ખમાસા, જમાલપુર ખાતેથી દેશી બનાવટની બંદુક સાથે એક ઈસમની ધરપકડ કરી છે.
એસઓજીના પીઆઈ કે.એ. પટેલની ટીમ પેટ્રોલિંગમાં હતી એ વખતે જમાલપુરમાં આવેલા ખાટકી વાડની સામે રહેતા સાજીદ ઉર્ફે કાળીયો અબ્દુલ મેમણ (૪૦) પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની બાતમી મળી હતી જેના પગલે વોચ ગોઠવીને તેને ઝડપી લેવાયો હતો.
સાજીદની ઝડતી લેતાં પોલીસને તેની પાસેથી પરવાના વગરની ડબલ બેરલવાળી એક બંદુક મળી હતી જેની કિંમત દસ હજાર રૂપિયા છે. એસઓજીએ તેની વિરુધ્ધ આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે.
સાજીદ રીઢો ગુનેગાર છે અને અગાઉ હવેલી પોલીસ તથા ક્રાઈમબ્રાંચના હાથે ગેરકાયદેસર હથિયારો રાખવાના તથા અન્ય ગુનામાં પકડાઈ ચુકયો છે હાલ તે બંદુક ક્યાંથી લાવ્યો અને શું કરવાનો હતો એ દિશામાં તપાસ ચાલુ કરવામાં આવી છે.