Western Times News

Gujarati News

બજેટ એટલે નાગરિકોને દિવાસ્વપ્ન બતાવવાનો અરીસો

મધ્યમવર્ગના નાગરિકોની ઈન્કમટેક્ષમાં રાહત આપવાની એકમાત્ર આશા પર પાણી ફેરવી નાણાંમંત્રીએ ઈન્કમટેક્ષ વધાર્યો નથી તેવી ટિપ્પણી કરી: બજેટમાં નાણાં ફાળવણીની થતી રકમ જે તે વિભાગને પુરેપુરી મળે છે ખરી ?

સ્વતંત્ર ભારતથી અત્યાર સુધીના તમામ બજેટોની કુલ રકમ પુરેપુરી અને પારદર્શકતાથી ખર્ચ કરાઈ હોત તો નવા ભારતનું નિર્માણ થઈ ગયું હોત

હું કોઈ અર્થશાસ્ત્રી નથી કે બજેટમાં જે તે વિભાગને ફાળવવામાં આવેલા નાણાંની ગણતરી કરી સંપુર્ણ બજેટમાં રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે તેવુ કહી શકુ તેમ નથી પરંતુ સામાન્ય નાગરિક તરીકે સ્પષ્ટપણે માનવુ છે કે ભારત સ્વતંત્ર થયુ ત્યારથી અત્યાર સુધી રજુ થયેલા તમામ બજેટોની કુલ રકમ જે તે વિભાગમાં પારદર્શકતાથી અને પુરેપુરી રકમ વપરાઈ હોત તો આજે નવા ભારતનું નિર્માણ થઈ ગયું હોત અને આજે ભારતમાં ક્યાંય ગરીબી ન હોત.

એટલું જ નહીં કેન્દ્ર સરકારને નાગરિકો ઉપર આટલો મોટો બોજાે પણ લાદવો ન પડત. દેશમાં મોટાભાગના નાગરિકો પેટ્રોલ-ડીઝલ પુરાવી અને ગેસની બોટલ ખરીદી સરકારની તીજાેરીમાં ટેક્ષ ભરે છે પરંતુ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમત આસમાને પહોંચી ગઈ છે પરિણામે મધ્યમવર્ગને પોતાનું વાહન પણ પોષાય તેમ નથી

દેશમાં અમીરો વધુને વધુ અમીર બની રહયા છે અને મધ્યમવર્ગના લોકો ગરીબીમાં ધકેલાઈ રહયા છે. આજે ગરીબો અને અમીરો વચ્ચેની ખાઈ વધુને વધુ ઉંડી બની ગઈ છે અને જાે આની આ જ પરિસ્થિતિ રહી તો દેશમાં વિકટ સમય આવવાની સમસ્યા જરૂર સર્જાશે તેવું મનાઈ રહયું છે.

ભારત દેશમાં દર વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજુ કરવામાં આવે છે જેના પર દેશભરના નાગરિકોની નજર મંડાયેલી હોય છે ખાસ કરીને મધ્યમ વર્ગના નાગરિકોને રાહત મળવાની આશા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી મધ્યમવર્ગની અવગણના કરાતી હોય તેવા બજેટો રજુ થઈ રહયા છે

બજેટનું મહત્વ કેટલુ અને કોને કેટલો લાભ થાય તે પ્રશ્ન આજે નાગરિકોમાં ચર્ચાઈ રહયો છે પરંતુ મોટાભાગના નાગરિકોને તેનો જવાબ મળવા લાગ્યો છે. બજેટમાં મોટાભાગે ધંધા અને ઉદ્યોગો માટે જ જાેગવાઈઓ કરવામાં આવતી હોય છે વહેપારીઓ અને ઉદ્યોગપતિઓને સીધો લાભ બજેટનો થતો હોય છે. દેશમાં દર વરસે જુદા જુદા ખાતાઓને રકમની ફાળવણી કરવામાં આવતી હોય છે

અત્યાર સુધીના બજેટમાં ફળવાયેલી રકમ જાેતા જે તે વિભાગના કાર્યક્ષેત્રો મજબુત બની જવા જાેઈતા હતા તેથી નાગરિકોમાં પ્રશ્ન થાય છે કે બજેટમાં ફાળવાતી રકમ જે તે વિભાગને પુરેપુરી મળતી હોય છે ?.

બજેટમાં અનેક જાહેરાતો કરવામાં આવે છે જેમાં ખાસ કરીને બેરોજગારોને રોજગારી આપવા માટેની મોટી મોટી વાતો કરાય છે અત્યાર સુધીના દરેક બજેટમાં કેન્દ્રમાં રહેલી સરકાર રોજગારીનો વાયદો આપતી આવી છે આ વરસે ૯૦ લાખ બેરોજગારોને રોજગારી આપવાની વાત કહેવામાં આવી છે પરંતુ શું તે શક્ય બનશે ખરું તેવી શંકા યુવાનો સેવી રહયા છે.

કારણ કે દર વરસે રોજગારીના વાયદા પ્રમાણે રોજગારી મળતી નથી તે રીતે આ વખતે પણ આ માત્ર વાયદો જ બની રહેશે તેવુ યુવાનો માની રહયા છે. બજેટમાં વેપાર ઉદ્યોગો માટે રાહતો આપવામાં આવે છે અથવા તો તેના પર કરવેરો વધારવામાં આવે છે કેન્દ્ર સરકારની નજર માત્ર સરકારની તીજાેરી ભરવામાં જ હોય તે રીતે મધ્યમ વર્ગની બજેટમાં સંપુર્ણપણે અવગણના કરવામાં આવે છે. પરિણામે આજે બજેટમાં મધ્યમવર્ગના નાગરિકોને કોઈ ખાસ રસ રહયો નથી.

દર વરસે બજેટમાં મધ્યમવર્ગના નાગરિકો અને ખાસ કરીને નોકરિયાત વર્ગના લોકોને ઈન્કમટેક્ષમાં રાહત મળશે તેવી આશા હોય છે અને આ માટે તેઓ બજેટની રાહ જાેઈને બેઠા હોય છે. દેશભરમાં કોરોનાના કપરા કાળમાં મોંઘવારીએ પણ માઝા મુકી છે. પેટ્રોલ-ડીઝલના ભાવો પણ આસમાને પહોંચી ગયા છે

આ પરિસ્થિતિમાં મધ્યમવર્ગની હાલત ખુબજ કફોડી બની ગઈ છે ત્યારે આ બજેટમાં ઈન્કમટેક્ષમાંથી રાહત મળે તેવી સૌ કોઈની લાગણી હતી પરંતુ કેન્દ્ર સરકારે ઈન્કમટેક્ષના માળખામાં કોઈ જ ફેરફાર કર્યો નહીં આ અંગે નાણાંમંત્રી નિર્મલા સીતારમણને પુછવામાં આવતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અમે મધ્યમવર્ગના નાગરિકો ઉપર ભારણ વધાર્યું નથી એનો મતલબ સ્પષ્ટ બને છે કે રાહત પણ આપી નથી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ઈન્કમટેક્ષ સ્લેબમાં યથાવત સ્થિતિ જાળવી રાખી છે જેથી મધ્યમવર્ગમાં નિરાશા જાેવા મળી રહી છે.

ર૦રર-ર૩ના બજેટને નાણાંમંત્રીએ અઢી દાયકાનું વિઝન ગણાવ્યું છે હાલમાં નાગરિકોને મહિનો પસાર કરવો દોહ્યલો બને છે ત્યારે કેન્દ્ર સરકાર અઢી દાયકાનું વિઝન બનાવી બજેટ રજુ કરે તે વાત કેટલા અંશે યોગ્ય છે તેવુ નાગરિકોમાં ચર્ચાઈ રહયું છે. વર્તમાન કારમી મોંઘવારીની સ્થિતિમાં મધ્યમવર્ગના નાગરિકોને ઘરનું ઘર ખરીદવાનું સ્વપ્ન પણ આવતુ નથી ત્યારે વિચાર તો કઈ રીતે કરી શકે. એટલું જ નહી પરંતુ ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે.

લોકોને શાકભાજી ખાવા પણ દોહ્ય્લા બની ગયા છે ત્યારે અઢી દાયકાના વિઝન ગણાવી બજેટ રજુ કરનાર નાણાંમંત્રીએ મધ્યમવર્ગને રામ ભરોસે છોડી દીધા છે. ગરીબો માટે ઘરનું ઘર બનાવવાની યોજનાનો વ્યાપ વધારવાની જાહેરાત કરી છે પરંતુ મધ્યમવર્ગ માટે કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. આ બજેટથી મધ્યમવર્ગને માત્રને માત્ર નિરાશા હાથ લાગી છે અને તેથી હવે તમામ લોકો સ્પષ્ટપણે માની રહયા છે કે બજેટ એટલે મધ્યમવર્ગના નાગરિકોને દિવા સ્વપ્ન બતાવવાનો અરીસો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.