રાજકોટનું એસટી બસપોર્ટ બન્યું આવારા અને લુખ્ખાઓનો અડ્ડો
રાજકોટ, રાજકોટમાં જૂના બસ સ્ટેશનના સ્થળે બનેલા લકઝરીયસ બસપોટ તંત્રની ગુનાહીત બેદરકારીના કારણે ધણીધોળી વિનાનું બની આવરા અને લુખ્ખા તત્વોનો અડ્ડો બની ગયું છે. સિક્યુરીટી અને સફાઇના અભાવે બસપોટના મુસાફરો હાલાકી અનુભવી રહ્યા છે. પેધી ગયેલા રિક્ષા ચાલકો મહિલા મુસાફરો સાથે અભદ્ર વર્તન કરી ભાડાના નામે લૂંટ ચલાવી રહ્યા છે. બીજી તરફ સ્વચ્છતા થતી ન હોવાના કારણે ગંદકીના ગંજ જામી ગયા છે.
સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટને સારી સુવિધા અને સગવડ મળી રહે તે માટે લકઝરીયસ બસપોટ બનાવવામાં આવ્યું છે. બસપોર્ટ સગવડતાના બદલે અગવડતા સમાન બની ગયું છે. તંત્રની લાપરવાહીના કારણે બસપોર્ટમાં રાત પડે અને લુખ્ખાઓનો રીતસર અડ્ડો જામે છે. બસપોટ પર પડયા પાથર્યા રહેતા રિક્ષા ચાલકો બસપોટની અંદર જઇને મહિલા મુસાફરોના બાવડા પકડી કયાં જવું છે તેવા વર્તન રોજીંદા બની ગયા છે.
આ સમગ્ર ઘટના દરરોજ સીસીટીવીમાં કેદ થાય છે. સિક્યુરીટી ગાર્ડ પણ નિસહાય અને લાચાર મુસાફરોને રિક્ષા ચાલકો દ્વારા કરાતી હેરાનગતિ સામે મુકપ્રેક્ષક બની તમાસો જાેવે છે.જૂના બસ સ્ટેશનમાં મુસાફરોની સલામતિ માટે પોલીસ ચોકી બનાવવામાં આવી હતી પરંતુ બસપોર્ટમાં પોલીસ ચોકી ન હોવાના કારણે રિક્ષા ચાલકો અને આવારા તત્વોને મોકળુ મેદાન મળી ગયું હોય છે.
આવારા તત્વોની દાદાગીરી સામે સિક્યુરીટી ગાર્ડ કંઇ બોલી શકતા ન હોવાના કારણે મુસાફરોની અને તેના કિંમતી માલ સામાન માટે પોલીસની સતત હાજરી જરૂરી બની છે. ત્યારે રાતે પેટ્રોલિંગમાં આવતી પોલીસની પીસીઆર મુશ્કેલીમાં વધારો કરી રહી છે.HS