ગલવાનના ખૂની સંઘર્ષમાં નદીમાં ૩૮ ચીની સૈનિક વહી ગયા હતા
(એજન્સી)નવી દિલ્હી, ગલવાન ઘાટીમાં ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે વર્ષ ૨૦૨૦ માં થયેલી હિંસક ઝડપ અંગે એક ઓસ્ટ્રેલિયન અખબારે મોટો ખુલાસો કર્યો છે. આ ખુલાસા બાદ ચીનની પોલ ખુલી ગઈ છે.
રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગલવાન ઘાટીમાં ૨૦૨૦માં થયેલી ઝડપમાં ચીને જેટલો દાવો કર્યો હતો તેના કરતા અનેકગણું નુકસાન થયું હતું. આ સાથે જ રિપોર્ટમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે ખીણમાં ગલવાન નદી પાર કરતી વખતે અનેક ચીની સૈનિકો ડૂબી ગયા હતા. ત્યારબાદ તેમના મોત થયા હતા.
રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે ચીનને ભારે નુકસાન થયું હતું. ઓસ્ટ્રેલિયન અખબાર ધ ક્લેક્સનના રિપોર્ટમાં બેનામી રિસર્ચર્સ અને ચીનના બ્લોગર્સનો હવાલો અપાયો છે. જેમાં કહેવાયું છે કે સુરક્ષા કારણોસર તેમણે પોતાના નામ ઉજાગર કર્યા નથી.
પરંતુ તેમણે જે જાણકારી મેળવી તેનાથી ગલવાનની ઘટના અંગે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ચીનને થયેલા નુકસાન અંગે દાવો નથી પરંતુ સોશિયલ મીડિયા રિસર્ચર્સના એક સમૂહ દ્વારા અપાયેલા પુરાવા, જેના પર ધ ક્લેક્સનનો રિપોર્ટ આધારિત છે
તેનાથી માલૂમ થાય છે કે ચીને થયેલું નુકસાન તેના દ્વારા જણાવવામાં આવેલાચાર સૈનિકોથી વધુ હતું. રિપોર્ટમાં કહેવાયું છે કે તેનાથી એ પણ જાણવા મળે છે કે ચીન તે ઘર્ષણ અંગે ચર્ચા ન કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. અત્રે જણાવવાનું કે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર વિવાદ મે ૨૦૨૦માં શરૂ થયો હતો.
જ્યારે ચીને લદાખના અક્સાઈ ચીનની ગલવાન ઘાટીમાં ભારત તરફથી રોડ નિર્માણ અંગે આપત્તિ જતાવી હતી. ૫ મે ૨૦૨૦ના રોજ ભારતીય સેના અને ચીની સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થયા બાદ સૈન્ય ગતિરોધ પેદા થયો હતો. ૫ મેની ઘટના બાદ ચીની સૈનિક ૯ મેના રોજ સિક્કિમના નાથૂ લામાં પણ ભારતીય સૈનિકો સાથે ઘર્ષણમાં ઉતરી પડ્યા હતા.
જેમાં અનેક સૈનિકોને ઈજા થઈ હતી. ત્યારબાદ ૧૫ જૂનના રોજ પણ લદાખની ગલવાન ખીણમાં ભાીરત અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું. જેમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયા હતા.