ખાડાઓના કારણે બે જીંદગીનો ભોગ લેવાતા કોર્પોરેશન સફાળુ જાગ્યું
યુધ્ધના ધોરણે ખાડાઓ પુરવા ઉચ્ચ અધિકારીઓનો આદેશ |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં વરસાદના પગલે રસ્તાઓ તૂટી ગયા છે બીજીબાજુ મ્યુનિ. કોર્પો. તંત્ર દ્વારા તૂટેલા રસ્તાઓ રિપેર કરાવ્યા અને ખાડાઓ પુર્યા હોવાના દાવાઓ કરવામાં આવ્યા હતાં પરંતુ શહેરના જીએમડીસી મેદાન પાસે અને બાપુનગરમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓના કારણે એક યુવતિ અને આધેડે જીવ ગુમાવતા કોર્પોરેશન તંત્રની પોલ ખુલી ગઈ છે અને સફાળા જાગેલા કોર્પોરેશનના અધિકારીઓએ જીએમડીસી મેદાન પાસે પડેલા ખાડાને રાતોરાત પુરાવી દીધો છે આ ઉપરાંત સમગ્ર શહેરમાં સવારથી જ રસ્તાઓનું નિરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે આ બે ઘટનાઓથી નાગરિકોમાં ભારે રોષ જાવા મળી રહયો છે.
આ અંગેની વિગત એવી છે કે ચોમાસાની સીઝન શરૂ થતાંની સાથે જ અમદાવાદ શહેરના તકલાદી રસ્તાઓનું ધોવાણ શરૂ થઈ જાય છે. આ વખતે પ્રથમ વરસાદથી જ અમદાવાદ શહેરમાં રસ્તાઓ તૂટવા લાગ્યા હતા જેના પરિણામે ભારે ઉહાપોહ મચ્યો હતો. મ્યુનિ. તંત્ર દ્વારા નાગરિકોના રોષને જાતા અમદાવાદ શહેરમાં રસ્તાઓ રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ ઉપરાંત રસ્તાઓ પર પડેલા ખાડાઓ પણ પુરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. શહેરમાં સતત વરસાદના કારણે ખાડાઓની સંખ્યા સતત વધવા લાગી હતી પરંતુ થોડી કામગીરી કરી મ્યુનિ.તંત્રએ સંતોષ વ્યકત કર્યો હતો અને આ અંગેના આંકડાઓ પણ જાહેર કરવામાં આવ્યા હતાં.
સતત વરસાદના કારણે અમદાવાદ શહેરમાં રસ્તાઓ તૂટી જતા હોવાથી ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થવા લાગ્યા છે. ગઈકાલે રાત્રે જીએમડીસી મેદાન પાસે પુલ પર પડેલા ખાડામાં એક્ટિવા ચાલક યુવતિ પટકાતા તેનું સ્થળ પર જ મોત નીપજયું હતું.
આ ઉપરાંત બાપુનગરમાં પણ આવી જ ઘટનામાં આધેડે જીવ ગુમાવ્યો હતો ખાડાઓના કારણે નાગરિકોના મૃત્યુથી કોર્પોરેશનની કામગીરી ઉપર સવાલો ઉઠવા લાગ્યા હતાં અને લોકોમાં ભારે રોષ પણ ફેલાયો હતો. બ્રીજ ઉપર જ પડેલો ખાડો કોર્પોરેશનના તંત્રને દેખાયો ન હતો તેના પરિણામે આશાસ્પદ યુવતિએ જીવ ગુમાવ્યો હતો આ એક ગંભીર ઘટના હતી.
આ ઘટના બાદ ભારે ઉહાપોહ થતાં સફાળા જાગેલા કોર્પોરેશનના તંત્રએ રાતોરાત ખાડો પુરાવી દીધો હતો પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ઉપર આવા ખાડાઓ પડેલા છે અને આગામી સમયમાં વધુ દુર્ઘટનાઓ સર્જાવાની દહેશત સેવાઈ રહી છે.
ગઈકાલ રાતની બે ઘટનાઓ બાદ મ્યુનિ. કોર્પો.નું તંત્ર સફાળુ જાગ્યુ છે અને તાત્કાલીક ઉચ્ચ અધિકારીઓની બેઠકો મળી હતી આ બેઠકમાં સમગ્ર શહેરમાં રસ્તાઓનું નિરીક્ષણ કરી જે રસ્તાઓ પર ખાડાઓ પડેલા છે તેની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે અને આ તમામ સ્થળો પર તાત્કાલિક ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરવા ઉચ્ચ અધિકારીઓના આદેશથી આજ સવારથી જ કોર્પોરેશનની જુદી જુદી ટીમોએ શહેરમાં રસ્તાઓનું નિરીક્ષણ શરૂ કરી દીધું છે. માનવ જીદંગીનો ભોગ લેવાયા બાદ કોર્પોરેશનનું તંત્ર સફાળુ જાગ્યુ છે તેવો આક્ષેપ થઈ રહયો છે.