Western Times News

Gujarati News

ગુનેગારની જેમ શિક્ષકે વિદ્યાર્થીઓ પર જુલમ ગુજાર્યો

અમદાવાદ, સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ.. પરંતુ આ પ્રથા હવે મોટાભાગે લુપ્ત થઈ રહી છે. સરકાર દ્વારા પણ વિદ્યાર્થીઓ પર શિક્ષકો હાથ ના ઉપાડે તે માટે તે સુનિશ્ચિત કરવામાં આવે છે આમ છતાં શિક્ષકો વિદ્યાર્થીઓ પર હાથ ઉપાડતા હોય તેવા કિસ્સા બનતા રહે છે.

આવી જ એક ઘટના ઉત્તર ગુજરાતના મોડાસામાં બની છે કે જ્યાં એક શિક્ષકે આખા વર્ગને લેશનના લાવવાની તાલિબાની સજા આપી હોવાની ઘટના બની છે. વિદ્યાર્થીઓ પર હાથ ઉપાડનારા શિક્ષકે આમ કરવા પાછળનું કારણ સારું પરિણામ આવે તે માટે કર્યું હોવાનું જણાવ્યું છે. શિક્ષકે વિદ્યાર્થીઓ પર હાથ ઉપાડ્યો હોવાની ઘટનાથી વાલીઓમાં રોષ ભભૂકી રહ્યો છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્‌સ મુજબ મોડાસાની ચાણક્ય વિશ્વ વિદ્યાલયમાં ધોરણ-૧૧માં વિજ્ઞાન પ્રવામાં અભ્યાસ કરતા ૫૦ જેટલા વિદ્યાર્થીઓ લેશન નહીં લાવતા તેમને ઢોર માર માર્યો હતો.

પોલીસ કોઈ ગુનેગારને મારે તે રીતે શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે. આમાંથી કેટલાક વિદ્યાર્થીઓને મારના કારણે શરીર પર સોળ પડી ગયા હતા.

ચાણક્ય વિશ્વ વિદ્યાલય નામની ખાનગી શાળાના વિજ્ઞાન વિષય ભણાવતા પિનલ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ઢોર માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગે શિક્ષકે વિદ્યાર્થીઓને એવી પણ ધમકી આપી હોવાનું સામે આવી રહ્યું છે કે, તમારા વીમા લઈ લેજાે, હું કોઈનાથી ડરતો નથી, પોલીસ કેસથી પણ ડર નથી લાગતો. કલેક્ટરથી પણ હું ડરતો નથી. શિક્ષક પિનલ પટેલે ભરેલા પગલાના કારણે વાલીઓને ભણવા શબ્દથી ધ્રૂજી ઉઠે છે. વિદ્યાર્થીઓને માર મારવાના કિસ્સામાં વાલીઓ દ્વારા આક્રોશ ભભૂકી રહ્યો છે.

આ શિક્ષક દ્વારા અગાઉ પર વિદ્યાર્થીઓને ઢોર માર મારવામાં આવ્યો હોવાના કિસ્સા ચર્ચાઈ રહ્યા છે. એક વિદ્યાર્થીને અગાઉ શિક્ષકે એટલો માર માર્યો હતો કે સીટી સ્કેન કરાવવાની ફરજ પડી હતી. પોતાનો બચાવ કરતા શિક્ષકે જણાવ્યું કે, જ્યારે વાલીઓ ફી ભરે છે ત્યારે સારું પરિણામ લાવવા માટે કહેવામાં આવતું હોય છે.

આવામાં વિદ્યાર્થીઓને ડરાવવા જરુરી છે. તેમણે એવી પણ દલીલ કરી છે કે માત્ર એક-બે વિદ્યાર્થીઓને જ વધારે ઈજા થઈ છે. જ્યારે આ ઘટના અંગે અરવલ્લી જિલ્લાના શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ સાથે વાત કરવામાં આવી તો તેમણે આ ઘટના પર તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હોવાનું કહ્યું છે. આ સાથે આજે શિક્ષક સામે કડક પગલા ભરવાનો ર્નિણય લેવામાં આવી શકે છે.

સાથે ભવિષ્યમાં કોઈ શિક્ષક વિદ્યાર્થીઓ પર આવો જુલમ ના ગુજારે તે માટે કડક કાર્યવાહી કરવાની બાંહેધરી ગાયત્રીબેન પટેલ દ્વારા આપવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.