ઉત્તર પ્રદેશના: કાર સીધી ટ્રકમાં ઘૂસી જતા પાંચ લોકોના ઘટનાસ્થળે મોત

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના રામપુરમાં શુક્રવારે મધરાતે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૫ લોકોના કરુણ મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ એક બેકાબૂ થયેલી કાર સીધી ટ્રકમાં ઘૂસી ગઈ. અકસ્માતનો ભોગ બનેલી કારમાં ડ્રાઈવર સહિત ૬ લોકો સવાર હતા. કારમાં સવાર ૫ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. જ્યારે ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો છે. જે હાલ સારવાર હેઠળ છે.
અકસ્માત રામપુરના ટાન્ડા પોલીસ મથક વિસ્તારમાં થયો. કારમાં સવાર તમામ ૬ લોકો યુપી-ઉત્તરાખંડ બોર્ડર પર આવેલા સ્વાર શહેરમાં લગ્ન સમારોહમાં સામેલ થઈને પોતાના ઘરે મુરાદાબાદ જઈ રહ્યા હતા. આ દરમિયાન કાર બેકાબૂ બનીને આગળ જઈ રહેલી ટ્રકમાં ઘૂસી ગઈ. ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા. જ્યારે ઘાયલ ડ્રાઈવરને સારવાર માટે ખસેડાયો.
ટાન્ડાના એસડીએમ રાજેશકુમારના જણાવ્યાં મજબ ટાન્ડાના શીકરપુર વિસ્તારમાં આ અકસ્માત થયો. ઘટનાસ્થળ પાસે એક ચાર રસ્તા છે. આશંકા છે કે કાર અહીં સ્પીડ બ્રેકર પરથી પસાર થયા બાદ બેકાબૂ બની. અક્સમાતમાં મૃત્યુ પામેલાઓની ઓળખ મુરાદાબાદના જયંતીપુરના રહીશો તરીકે થઈ છે.
અકસ્માતનો ભોગ બનેલા લોકો ઈકો ગાડીમાં સવાર હતા. બેકાબૂ કાર જે ટ્રક સાથે અથડાઈ તે અંગે પણ માહિતી મેળવવામાં આવી રહી છે. યુપીના જ ઉન્નાવમાં પણ શુક્રવારે ભીષણ રોડ અકસ્માત થયો. અહીં રસ્તા કિનારે ઊભેલી પીઆરવી ગાડી પર ટ્રક પલટી ગયો.
ટ્રક પલટી જવાથી પીઆરવીમાં રહેલા તમામ સિપાઈ દબાઈ ગયા. જેમાંથી ૩ સિપાઈઓના મોત થયા. આ ઉપરાંત અકસ્માતમાં એક સિપાઈ ગંભીર રીતે ઘાયલ થયો. મૃતકોમાં ૨ મહિલા કોન્સ્ટેબલ અને એક પુરુષ કોન્સ્ટેબલ સામેલ છે. અકસ્માત ઉન્નાવના સફીપુર પોલીસ મથક હદના મહદી ખેડા પુલ પાસે થયો.SSS