એક તરફી પ્રેમમાં પાગલ શખ્સે યુવતિના ભાઈ પર તિક્ષ્ણ હથિયારથી કરેલો હુમલો
અમદાવાદ : અમદાવાદ શહેરમાં યુવતિઓની છેડતી તથા ઘરેલુ હિંસાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે આ પરિÂસ્થતિમાં શહેરના નારોલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં એક શખ્સ બળજબરીપૂર્વક એક યુવતિની પાછળ પડી તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતો હતો પરંતુ યુવતિ માનતી ન હતી અને તેના પરિવારના સભ્યો પણ તેની વિરૂધ્ધમાં હતાં.
જેના પરિણામે ઉશ્કેરાટમાં આવેલા આ શખ્સે યુવતિના ભાઈ પર હુમલો કરી ચપ્પાના ઘા મારતા તથા યુવતિની માતા તથા બહેનને ઈજાઓ પહોંચાડતા અફડાતફડી સર્જાઈ હતી ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોચી ગયા હતા આ દરમિયાનમાં લોહી લુહાણ હાલતમાં યુવતીના ભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સમાં એલ.જી.હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો આ અંગે નારોલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નારોલમાં બનેલી ઘટના : આરોપીએ યુવતિ અને તેની માતાને પણ મુઢમાર માર્યો |
આ અંગેની વિગત એવી છે કે શહેરના નારોલ વિસ્તારમાં કેનાલ રોડ પર નંદી સ્કુલની આગળ અજીત પાર્કમાં મોહંમદ રીઝવાન હસમતઅલી તેની માતા અને બહેન સાથે રહે છે તેના ઘરની પાછળ જ આવેલા કારખાનામાં તે સિલાઈ કામ કરવા જાય છે.
આ દરમિયાનમાં આજ વિસ્તારમાં રહેતો સાહીદ પઠાણ નામનો શખ્સ છેલ્લા ઘણા સમયથી મોહંમદ રીઝવાનની બહેનની પાછળ પડયો હતો અને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતો હતો પરંતુ મોહંમદ રીઝવાનની બહેન માનતી ન હતી જેના પરિણામે સાહીદ તેને પરેશાન કરવા લાગ્યો હતો આ મુદ્દે અવારનવાર તકરારો પણ થતી હતી.
મોહંમદ રીઝવાન નિત્યક્રમ મુજબ ગઈકાલે તેના મિત્રો સાથે સિલાઈ કરવા માટે કારખાને પહોંચ્યા હતા આ દરમિયાન સાહીદ પઠાણ તથા ફરાહ પઠાણ, અનિસાબાનુ પઠાણ કારખાના પાસે આવ્યા હતા અને મોહંમદ રીઝવાનની બહેન શહેનાઝબાનુના શાહીદ સાથે લગ્ન કરવાની વાતચીત કરવા લાગ્યા હતા પરંતુ તેણે આ વાતચીત કરવાનું ટાળતા જ સાહીદ તથા તેના પરિવારના સભ્યો ઉશ્કેરાઈ ગયા હતા.
ત્રણેય જણાં ગાળો બોલવા લાગ્યા હતા આ દરમિયાનમાં ભારે હોહામચી જતા મોહંમદ રીઝવાનની માતા શબનમ તથા બહેન સહેનાઝબાનુ પણ દોડી આવ્યા હતા જેના પરિણામે સાહીદ અને તેના પરિવારજનો વધુ ઉશ્કેરાયા હતા અને મોંહંમદ રીઝવાનની માતા અને બહેનને ગાળો બોલવા લાગ્યા હતા એટલું જ નહી પરંતુ મારામારી પણ કરવા લાગ્યા હતાં આ દરમિયાનમાં સાહીદે તેની પાસેની તિક્ષ્ણ ધારવાળી છરી કાઢી હતી અને મોહંમદ રીઝવાન પર હુમલો કરી ત્રણ ઘા ઝીંકી દેતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો.
ત્યારબાદ મોહંમદ રીઝવાનની માતા શબનમ અને બહેન શહેનાઝબાનુ પર હુમલો કરી ઢોરમાર માર્યો હતો આ દરમિયાનમાં આસપાસના લોકો દોડી આવતા આ ત્રણેય જણાં ફરાર થઈ ગયા હતાં.
એકત્ર થયેલા લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા મોહંમદ રીઝવાનને લોહી લુહાણ હાલતમાં એલ.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો ઘટનાની જાણ થતાં નારોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હોસ્પિટલમાં ગયા હતા અને ત્યાં ઈજાગ્રસ્ત મોહંમદ રીઝવાનની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ફરાર થઈ ગયેલા શાહીદ તથા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
નારોલમાં બનેલી આ ઘટનાના પગલે સ્થાનિક નાગરિકોમાં પણ ભારે રોષ જાવા મળી રહયો છે યુવતિને સતત પરેશાન કરનાર આ શખ્સ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે બીજીબાજુ હુમલાખોરોના ભયથી પરિવાર ફફડી રહયો છે તેથી તાત્કાલિક તમામની ધરપકડ કરવામાં આવે તેવી માંગણી પણ ઉઠી છે.