તનિષ્કના શો રૂમમાં દાગીના ખરીદવાના બહાને છેતરપિંડી
(એજન્સી) અમદાવાદ, શહેરના નવરંગપુરા સીજી રોડ પર આવેલા સોનાના દાગીનાના તનીષ્કના શો રૂમમાં ગોલ્ડ કોઈનના બદલામાં ૧ લાખના દાગીનાની ખરીદી કરવા માટે આવેલા બે ગઠીયાઓએ આબાદ છેતરપિંડી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
જેમાં સોનાના દાગીનાની ખરીદીની સામે ચાંદીના સિકકા પર સોનાનો ઢાળ ચઢાવવામાં આવ્યો હતો. પ્રાથમીક તપાસમાં વિગતો બહાર આવી હતી આ છેતરપિંડી કરનાર બે આરોપીઓ પૈકી એક વ્યકિત તનીષ્કનો પૂર્વ કર્મચારી હતો. જે ફરીયાદને આધારે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ બનાવની વિગતો એવી છે કે સોલા સાયન્સ સીટી રોડ પર આવેલ સેન્ડલ વુડ એલીગન્સમાં રહેતા ગૌરાંગ શો રૂમમાં ફલોર મેનેજર તરીકે નોકરી કરે છે. ગત ૧૪મી ડીસેમ્બરના રોજ સાંજના સમયે ગૌરાંગે પટેલ હાજર હતા તે સમયે બે વ્યકિત સોનાના દાગીનાની ખરીદી કરવા માટે આવ્યા હતા. જેમાં તેમણે એક સોનાની ચેઈન અને વીટી પસંદ કરી હતી. જેની ખરીદીના બદલામાં તેમણે તનીષ્કના ૧૦-૧૦ ગ્રામના બે સોનાના સિકકા આપ્યા હતા.
જેની ગણતરી બાદ બાકીના રૂપિયા ૮૯૦૦ ચુકવ્યા હતા. દેશના તમામ શો રૂમમાંથી ખરીદીની સામે આવતા દાગીના તમિલનાડુના ઓસુર ખાતે આવેલા તનીષ્કના વર્કશોપ પર મોકવામાં આવ્યા છે. જેથી બંને સિકકા પણ ત્યાં મોકલતા જાણવા મળ્યું હતું કે જે બે ગ્રાહકોએ સોનાના બે સિકકા આપ્યા હતા.
તે હકીકતમાં ચાંદીના સિકકા હતા અને તેના પર સોના ઢાળ ચઢાવવામાં આવ્યો હતો. જેથી સમગ્ર બાબત તપાસવામાં આવી હતી અને સીસીટીવી ફુટેજ અમદાવાદની તનીષ્કની વિવિધ બ્રાંચ પર મોકલી અપાયા હતા. જેમાં માહિતી બહાર આવી હતી કે સીસીટીવીમાં દેખાતા બે વ્યકિત પૈકી એક વ્યકિતનું નામ બીનીત સોની રહે. હરેકિષ્ણા એપાર્ટમેન્ટ, બોપલ હતો. જે ચાર મહીના પહેલા તનીષ્કના શીવરંજની ખાતે આવેલા શો રૂમમાંથી નોકરી છોડી હતી. જે તમામ બાબતોને આધારે નવરંગપુરા પોલીસ મથકમાં ફરીયાદ દાખલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.