અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાના પ૦ હજાર, પાણીજન્યના ૧૦ હજાર થી વધુ કેસ
(એજન્સી) અમદાવાદ, શહેરમાં મેેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા ઝેરી મેલેરિયા સહીત મચ્છરજન્ય રોગચાળાના અંદાજે પ૦ હજારથી વધુ કેસ અને ઝાડા ઉલટી, કમળા, ટાઈફોઈડ, જેવા પાણીજન્ય રોગચાળાના લગભગ ૧૦ હજારથી વધુ કેસ હોવાનું જાણવા મળે છે. શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જવાને કારણે મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં નોધપાત્ર વધારો થયો છે.
અને ઘેરઘેર તાવ અને ઝાડા ઉલટીના કેસો જાેવા મળે છે. પાણીમાં પોલ્યુશનની ફરીયાદો ઉઠી રહી છે. અને શહેરમાં ઝાડા-ઉલટી કમળા સહીત પાણીજન્ય રોગચાળાના કેસો વધી રહયા છે. સરકારી અને ખાનગી હોસ્પીટલો અને દવાખાના તેમજ ફેમીલી ફીઝીશીયનો પાસે સારવાર લઈ રહયા છે.
મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા ખાધ ચીજવસ્તુઓના સેમ્પલ લેવામાં આવતા નથી અને તેના કારણે નાગરીકોના આરોગ્ય અને સ્વાસ્થ્યને જાેખમમાં મુકનાર ભેળસેળ કરનાર તત્વોને છૂટોદોર મળ્યો છે. અને તેઓ બેફામ બન્યા છે.
અમદાવાદમાં મેલેરિયા, ચીકનગુનીયા, ડેન્ગ્યુ, જેવા મચ્છરજન્ય રોગચાળાના પ૦,૦૦૦થી વધુ દર્દીઓ અને ઝાડા-ઉલટી, ટાઈફોઈડ કમળા જેવા પાણીજન્ય રોગચાળાના ૧૦,૦૦૦થી વધુ દર્દીઓ હોવાનું બિનસત્તાવાર સુત્રોએ જણાવ્યું છે. કોરોનાએ માથું ઉંચકવાને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો ભોગ બનતા દર્દીઓ હોસ્પીટલોમાં જવાનું ટાળે છે.
મ્યુનિ. હેલ્થ વિભાગ, કોવિડ-૧૯ના રોગચાળાને અંકુશમાં લેવામાં વ્યસ્ત હોવાને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને ડામવા, મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા, ઘેરઘેર સર્વે કરવા, સહિતના પગલાં લેવાતા ન હોવાનું અને મેલેરિયા, ઝાડા-ઉલટીના કેસો પ્રત્યે ઉપેક્ષા સેવાઈ રહી છે.