બાંગ્લાદેશી સમજીને પોલીસે ધરપકડ કરેલો યુવક ર૦ મહિને જેલમાંથી છૂટયો
(એજન્સી) અમદાવાદ, ચંડોળા તળાવ નજીક ૧૯૬પ થી રહેતા પરીવારના પુત્રને એસઓજીની ટીમ બાંગ્લાદેશી સમજીને ઉપાડી ગઈ હતી. યુવકનો પરીવાર છૂટક મજૂરી અને બાંધકામ સાથે જાેડાયેલો છે. પોલીસ યુવકને ઉપાડી જતા તેના ચાર પુત્રો, પત્ની અને માતાપિતા સહીત પરીવારની રોજીરોટી છેલ્લા ર૦ મહિનાથી બંધ થઈ ગઈ હતી. કોઈ કારણ વગર પોલીસ તેમના પુત્રને ઉપાડી જતાં માતાએ હેબીયસ કોર્પસ કરી હતી. જેમાં ર૦ મહિના જેલમાં રહેલા યુવકને હાઈકોર્ટે છોડી દેવા આદેશ કર્યો છે.
યુવકની માતા તરફથી એડવોકેટ આનંદ યાજ્ઞિકે રજુઆત કરી હતી કે, તેમના પરીવારને બાંગ્લાદેશ નામ સાથે જ કંઈ લેવાદેવા નથી. તેમનો પરીવાર પપ વર્ષથી અમદાવાદમાં રહે છે. તેમની પાસે ભારતીય નાગરીક હોવાના તમામ પુરાવા હોવા છતાં તેમને બિનભારતીય-ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશી ઠેરવીને પોલીસ તેમના પુત્રને ઉપાડી ગઈ છે. માતાપિતા ભારતીય નાગરીકત્વ ધરાવતા હોય તો તેમના પુત્રનું નાગરીકત્વ બાંગ્લાદેશી કેવી રીતે હોઈ શકે ? એસઓજીએ આ યુવકના નાગરીકત્વ માટે સ્ક્રીટીની કાઢીને તેના ભારતીય હોવાના પુરાવા માગવા તેને જેલમાં રાખ્યો હતો. આ કૃત્ય ગેરબંધારણીય છે.
આ અગાઉ પણ પોલીસ યુવકને બાંગ્લાદેશી હોવાનું કહીને ઉપાડી ગઈ હતી. વારંવાર પોલીસ દ્વારા થતી હેરાનગતિએ સામે હાઈકોર્ટે નારાજગી દર્શાવી હતી અને કોર્ટે તાત્કાલીક આ યુવકને જેલમાંથી મુકત કરવા આદેશ કર્યો હતો.