શિસ્તની બાબતમાં પી.સી.સી. ઢીલાશ નહી વર્તે તેવા સ્પષ્ટ સંકેતો
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત કોંગ્રેસમાં હવે શિસ્તભંગને ચલાવી લેવામાં આવશે નહી તેવો સખ્ત મેસેજ નવનિયુકત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આપી દીધો હોવાના સંકેત મળી રહયા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ તથા પીસીસી આ મામલે મક્કમ છે. આગામી દિવસોમાં કોઈપણ જાતની ઢીલાર વર્તાશે નહી તે તાજેતરમાં લીધેલા પગલા પરથી ફલિત થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં એમાં પણ ચૂંટણીના સમયમાં એકબીજાને રાજકીય રીતે કાપવાના પ્રયાસો થતા રહેતા હતા. શિસ્ત સમિતિ સમક્ષ વારંવાર ફરિયાદો આવતી હતી. સંભવતઃ હજુ પણ કોંગ્રેસની શિસ્ત સમિતિની સમક્ષ જૂની ફરિયાદો પડી હોય તો નવાઈ નહી. હવે પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી શિસ્તના મામલે ઢીલાર વર્તશે નહી અને જરૂર પડે કડક પગલા લેશે તેવો નિર્દેશ આપી દીધો છે.
ખાસ તો અગાઉના જે પેન્ડીંગ કેસો શિસ્તના સંદર્ભમાં છે તે અંગે પણ કોઈ નિર્ણય લેવાય તેમ પક્ષના સંનિષ્ઠ કાર્યકરો ઈચ્છી રહયા છે ખાસ તો ચૂંટણીના સમયે જેઓને ટીકીટ મળી ન હતી તેવા ઘણા આગેવાનોએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હોવાની બૂમ અગાઉ ઉઠી હતી જેની કદાચ ફરિયાદો પણ મળી હશે તેવું અનુમાન અસ્થાને નથી.
ત્યારે સક્રિય થયેલી કોંગ્રેસની શિસ્ત સમિતિ અનુશાસનની લગામ ઉઠાવીને મજબુત પગલા લેશે તેમ મનાઈ રહયું છે ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જમીની વાસ્તવિકતા સાથે જાેડાયેલા છે અને ગ્રાઉન્ડ વર્કના આગ્રહી છે ત્યારે કાર્યકરો- આગેવાનોને સાંકળીને ચૂંટણી પહેલા ફીલ્ડવર્કને પ્રાધાન્ય મળશે તેમ કાર્યકરો જણાવી રહયા છે શિસ્તના સંદર્ભમાં કોંગ્રેસના સિનિયર આગેવાનોના સૂર મળ્યા હોય તેવી પ્રતિતિ કાર્યકરોને થઈ રહી છે આગામી દિવસોમાં કોંગ્રેસની શિસ્ત સમિતિ જૂના કેસોમાં પગલા લે તેવી શકયતાઓ રાજકીયસ્તરે કોંગ્રેસમાં વ્યકત થઈ રહી છે.