પાલનપુર નગરપાલિકાની પાણીની ટાંકી અજાણ્યા શખ્સોએ તોડી પાડતા ચકચાર
પાલનપુર:પાલનપુર નગરપાલિકાના વોર્ડ નં.7 ના ઢુંઢીયાવાડી સમર્પણ ફ્લેટની સામે આવેલી નગરપાલિકાની મિલકત ગણાતી પાણીની ટાંકી કોઈએ રાતોરાત ગેરકાયદેસર રીતે તોડી પાડતા ચકચાર મચી જવા પામી છે.
નગરપાલિકાની આ મિલકત તોડી પાડવા બાબતે કોઈપણ જાતનો ઠરાવ કારોબારી સમિતિ કે પાણી પુરવઠાની સમિતિમાં કયારેય થયો ન હોવાનું આ બંને સમિતિના ચેરમેનશ્રીઓએ જણાવેલ તથા આ વિસ્તારમાંથી ચૂંટાયેલા શાસક પક્ષના સદસ્યોની જાણ બહાર રાતોરાત આ પાણીની ટાંકી કેવી રીતે તોડી પડાઇ તે બાબતે નગરપાલિકાના કર્મચારીઓ પણ અજાણ હોવાથી આ ગંભીર ગુના પાત્ર કૃત્ય કોણે કર્યું? તેની તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા
બાબતે તથા આ વિસ્તારના રહીશોની સુખાકારી અને સવલત માટે સત્વરે આ જગ્યાએ કોમ્યુનિટી હોલ બનાવવા વોર્ડ નં.7 માંથી ચૂંટાયેલા નગરપાલિકા સદસ્યા અને હાલમાં સ્ટ્રીટલાઇટ સમિતિના ચેરમેન ભારતી બી. ઠાકોરે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને રજુઆત કરી હતી.
જો કે પાલનપુર નગરપાલિકાની મિલકત એવી આ પાણીની ટાંકીને તોડી પાડી તેનો ઘણોખરો કાટમાળ અન્ય જગ્યાએ સગેવગે કરાયો હોવાનું પણ લોકમુખે ચર્ચાતા વિવિધ તર્ક વિતર્ક સાથે આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.