આશા સાથેની મુલાકાતની તસવીર અનુપમે શેર કરી
મુંબઈ, ભારતના મહાન પાર્શ્વ ગાયકોમાંથી એક લતા મંગેશકરે રવિવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. ૯૨ વર્ષની વયે મલ્ટી ઓર્ગન ફેઈલ થતાં લતા મંગેશકરનું અવસાન થયું હતું. લતા મંગશકરને જાન્યુઆરી મહિનામાં કોરોના થયો હતો અને તેની સાથે ન્યૂમોનિયા હોવાનું પણ નિદાન થયું હતું.
લતા મંગશકરની તબિયત ધીરે-ધીરે સુધરી રહી હતી. ૨૮ જાન્યુઆરીએ તેમનું સ્વાસ્થ્ય સારું થતાં વેન્ટિલેટર હટાવી લેવાયું હતું. પરંતુ ૫ ફેબ્રુઆરીએ તબિયત લથડતાં ફરી વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. ૬ ફેબ્રુઆરીએ તેમનું દુઃખદ અવસાન થયું હતું. લતા મંગેશકરના અવસાનના સમાચાર મળતાં તેમનાં બહેન આશા ભોંસલેને સાંત્વના પાઠવવા અનુપમ ખેર તેમના ઘરે પહોંચ્યા હતા.
અનુપમ ખેરે આશા ભોંસલે સાથેની મુલાકાત બાદ તેમની સાથેની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરમાં અનુપમ ખેર આશા ભોંસલેનો હાથ પકડીને બેઠેલા જાેવા મળે છે. જ્યારે આશા ભોંસલે તેમની સામે જાેઈને સ્મિત આપી રહ્યાં છે.
તસવીર શેર કરતાં અનુપમ ખેરે લખ્યું, “સૌથી મોટું સ્મિત આપતાં લોકો જ પોતાના દિલમાં સૌથી વધુ દર્દ છુપાવીને બેઠા હોય છે! આશાજીના ઉદાસ સ્મિતની પાછળ તેમનાં વહાલા બહેનને ગુમાવવાનું દુઃખ હું અનુભવી શકું છું.
લતા દીદી અંગે તેમની સાથે વાતો કરવી મારા માટે થેરાપી સમાન હતી. અમે થોડાક આંસુ અને થોડાક સ્મિત વહેંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાંચ ભાઈ-બહેનોમાંથી સૌથી મોટા લતા મંગેશકર હતાં. તેમના ભાઈ-બહેનોમાં આશા ભોંસલે, હૃદયનાથ મંગેશકર, ઉષા મંગેશકર અને મીના મંગેશકરનો સમાવેશ થાય છે.
પોતાના ભાઈ-બહેનોને એકલાં મૂકીને લતા મંગેશકરે રવિવારે સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આંખો મીંચી લીધી. લતા મંગેશકરના નિધનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને દેશ-દુનિયાના તેમનાં ચાહકો ઉદાસ છે.
અમિતાભ બચ્ચન, શ્વેતા બચ્ચન નંદા, શ્રદ્ધા કપૂર, મધુર ભંડારકર, જાવેદ અખ્તર વગેરે જેવા સેલેબ્સ લતા મંગેશકરના અંતિમ દર્શન માટે તેમનાં નિવાસસ્થાને પહોંચ્યા હતા. સાંજે ૬.૩૦ કલાકની આસપાસ લતા મંગેશકરના મુંબઈમાં રાજકીય સન્માન સાથે અંતિમ દર્શન કરવામાં આવશે.SSS