ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાનું રાજીનામું
અમદાવાદ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ GSSSBના ચેરમેન અસિત વોરાના રાજીનામાની ઉગ્ર માંગ ઉઠી હતી. ત્યારે આ પેપરકાંડના બે મહિના બાદ અસિત વોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ આઈ.કે જાડેજા અને બળવંત સિંહનું પણ બોર્ડ નિગમમાંથી રાજીનામું લેવામાં આવ્યું છે.
અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો પર્દાફાશ થયા બાદ સરકારમાં દોડધામ મચી જવા પામી હતી. જે બાદ અસિત વોરાની હકાલપટ્ટી કરવાની માંગ ઉઠી હતી. રાજ્યભરમાં આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બીજી તરફ સરકાર અસિત વોરાને છોવરી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના કાર્યકાળમાં બે વખત પેપર ફૂટવાની ઘટના બની ચૂકી હતી. જેમાં તાજેતરમાં જ 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હતું. આ પહેલા 2019માં પણ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હતું. આ બંને વખતે અસિત વોરા જ GSSSBના ચેરમેન હતા.