સાબરમતી વિસ્તારમાં લુંટ કરનાર બે આરોપી ઝડપાયા

(પ્રતિનિધિ) અમદાવાદ,સાબરમતી વિસ્તારમાં કેટલાક દિવસ અગાઉ એક કંપનીમાંથી કોપર વાયરની લુંટ કરવામાં આવી હતી. આ બાબતે તપાસ કરતં ક્રાઈમબ્રાંચની ટીમે બે આરોપીઓને ઝડપી લીધાં છે.
આ અંગેની વિગત એવી છે કે ક્રાઈમબ્રાંચના પીઆઈ ડી.બી. બારડની એક ટીમ પેટ્રોલિંગમાં હતી એ વખતે સાબરમતીમાં થયેલી લુંટના આરોપીઓ ઝુંડાલ ટોલ પ્લાઝા તરફ હોવાની બાતમી મળી હતી.
જેના આધારે તેમણે ઝુંડાલ સર્કલ તરફ જતાં એસ.પી. રીંગ રોડ પર આવેલા ઓએનજીસીના કંપાઉન્ડ પાસે ઉભી રહેલી બોલેરો પીકઅપમાં બેઠેલાં બે શખ્શોને ઝડપી પાડ્યા હતા જેમણે પોતાના નામ રામનિવાસ ઉર્ફે બન્ટુ તોમર તથા પ્રિન્સ જયસીંગ રાજપુત (બંને રહે. ઝુંડાલ) જણાવ્યા હતા.
પુછપરછમાં રામસિંગે અગાઉ પકડાયેલો આરોપી રતન ગાડરી પોતાનો મિત્ર હોવાનું સ્વીકાર્યું હતું. ઉપરાંત પ્રિન્સ સહીત અન્ય સાગરીતો સાથે મળીને લુંટની ઘટનાને અંજામ આપ્યા બાદ ચાણક્યપુરી ખાતે રતન ગાડરી તથા અંબાલાલ ગાડરીને કોપરના વાયર વેચ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.